રાજ્યોએ ૧૦ વર્ષમાં પેન્શન, પગાર, વ્યાજ પાછળ ૨.૫ ગણા વધુ ખર્ચ્યા

નવી દિલ્હી, રાજ્યોના ફાઈનાન્સ અંગે કેગનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવણા જેવા નિશ્ચિત ખર્ચમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૨.૫ ગણો વધારો થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં નિશ્ચિત ખર્ચની રકમ રૂ. ૬,૨૬,૮૪૯ કરોડ હતી, જે ૨૦૨૨-૨૩માં વધીને રૂ.૧૫,૬૩,૬૪૯ કરોડ થઈ હતી. રેવન્યુ ખર્ચમાં આવા સ્ટેટ ફાઈનાન્સ ૨૦૨૨-૨૩ અંતર્ગત જાહેર થયેલા કેગના રિપોર્ટમાં જણાવાયા મુજબ, ૨૦૧૩-૧૪થી ૨૦૨૨-૨૦૨૩ના ૧૦ વર્ષ દરમિયાન કુલ ખર્ચમાં રાજ્યોના રેવન્યુ ખર્ચનું પ્રમાણ ૮૦-૮૭ ટકા હતું. સંયુક્ત જીએસડીપીમાં તેનું પ્રમાણ ૧૩-૧૫ ટકા રહ્યુ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ખર્ચમાં રેવન્યુ ખર્ચ ૮૪.૭૩ ટકા અને જીએસડીપીમાં ૧૩.૮૫ ટકા રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા સૌ પ્રથખમ વખત સ્ટેટ ફાઈનાન્સ અંગે રિપોર્ટ જાહેર કરાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રેવન્યુ ખર્ચ રૂ.૩૫,૯૫,૭૩૬ કરોડ હતો અને તેમાં નિશ્ચિત ખર્ચનું પ્રમાણ રૂ.૧૫,૬૩,૬૪૯ કરોડ હતું.
સબસિડી પેટે રૂ. ૩,૦૯,૬૨૫ કરોડ અને ગ્રાન્ટ માટે રૂ.૧૧,૨૬,૪૮૬ કરોડ ખર્ચાયા હતા. આ ત્રણેય પાસા હેઠળ રૂ. ૨૯,૯૯,૭૬૦ કરોડ ખર્ચ થયો હતો, જે કુલ રેવન્યુ ખર્ચના ૮૩ ટકા હતો. કેગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૨૮ રાજ્યોની આર્થિક સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે.
આ રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૩-૧૪માં તમામ રાજ્યોનો પગાર-પેન્શન અને વ્યાજ ચૂકવણા જેવા નિશ્ચિત ખર્ચમાં રૂ. ૬,૨૬,૮૪૯ કરોડ વપરાયા હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને રૂ. ૧૫,૬૩,૬૪૯ કરોડ થયા હતા.
સબસિડી માટેનો ખર્ચ રૂ. ૯૬,૪૭૯ કરોડથી વધીને રૂ. ૩,૦૯,૬૨૫ કરોડ થયો હતો. આ ૧૦ વર્ષ દરમિયાન રેવન્યુ ખર્ચમાં ૨.૬૬ ગણો અને નિશ્ચિત ખર્ચમાં ૨.૪૯ ગણો વધારો થયો હતો, જ્યારે સબસિડીમાં ૩.૨૧ ગણો વધારો થયો હતો.SS1MS