Western Times News

Gujarati News

BCCIના પ્રમુખપદ માટે દિલ્હીના મિથુન મનહાસે દાવેદારી નોંધાવી

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ વર્તુળમાં આશ્ચર્ય સર્જતા દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર મિથુન મનહાસે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના આગામી પ્રમુખપદના હોદ્દા માટે દાવેદારી નોંધાવી હતી. મિથન મનહાસ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સફળ ક્રિકેટર હતો. તે ૧૯૯૭-૯૮થી ૨૦૧૬-૧૭ દરમિયાન ૧૫૭ ફર્સ્ટ ક્લાસ મેચ, ૧૩૦ લિસ્ટ-એ મેચ અને આઇપીએલની ૫૫ ટી૨૦ મેચ રમ્યો હતો.

બીસીસીઆઈના પ્રમુખ તરીકે રોજર બિન્નીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયા બાદ આ સ્થાન ખાલી પડ્યું હતું અને હવે બોર્ડની આવતા રવિવારે યોજાનારી એજીએમ દરમિયાન ચૂંટણી થશે અને નવા પ્રમુખની વરણી કરાશે.નવી દિલ્હી ખાતે મળેલી એક અનૌપચારિક બેઠક દરમિયાન મિથુન મનહાસનું નામ સામે આવ્યું હતું. આ બેઠકમાં મનહાસના નોમિનેશન અંગે નામ મૂકવામાં આવ્યું હતું.

આવતા રવિવારે યોજનારી એજીએમ દરમિયાન બીસીસીઆઈના અન્ય કેટલાક હોદ્દેદારોમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે આગામી ટર્મ માટે કેટલાક ફેરફાર થનારા છે.

મિથુન મનહાસ ભૂતપૂર્વ ક્રિકેટર છે અને તેને પ્રેસિડેન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે.અરૂણ ધુમાલ આઇપીએલની ગવ‹નગ કાઉન્સિલના ચેરમેન છે અને તેઓ આ હોદ્દા પર જારી રહેશે.

નોમિનેશન પત્ર ભરનારા અન્ય હોદ્દેદારોમાં બોર્ડના સેક્રેટરી દેવજિત સાઇકીયા, આઇપીએલના ચેરમેન ધુમાલ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર તથા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ રઘુરામ ભટ્ટનો સમાવેશ થાય છે જેમણે ટ્રેઝરર માટે નોમિનેશન ફોર્મ ભર્યું છે.

જોઇન્ટ સેક્રેટરી તરીકે પ્રભતેજ ભાટીયા હવે રોહન ગૌંસ દેસાઈનું સ્થાન લેશે. બોર્ડના એપેક્સ કાઉન્સિલમાં દિલીપ વેંગસરકરને સ્થાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહ આવશે.સાઇકિયાએ જાન્યુઆરી ૨૦૨૫માં સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને તેમણે આ વખતે પણ ઉમેદવારી નોંધાવી છે.

સાઇકિયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક મહિનાથી સેક્રેટરી હતો અને હવે મારા સાથીઓ ઇચ્છે છે કે હું આ સ્થાને ટકી રહું અને તેથી મેં ઉમેદવારી નોંધાવી છે.

દરમિયાન પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમની પસંદગી ૨૩ અથવા તો ૨૪મી સપ્ટેમ્બરે ઓનલાઇન થશે. પ્રથમ ટેસ્ટ બીજી ઓક્ટોબરથી અમદાવાદમાં અને બીજી ટેસ્ટ દસમી ઓક્ટોબરથી નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.