એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો સળંગ બીજો વિજય

દુબઈ, ઓપનર અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરીને માત્ર ૨૪ બોલમાં અડધી સદી બાદ ૭૪ રન ફટકારતાં ભારતે રવિવારે રમાયેલી એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર-૪ રાઉન્ડની મેચમાં પાકિસ્તાન સામે છ વિકેટે આસાન વિજય હાંસલ કર્યાે હતો.
આમ વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો આ સળંગ બીજો વિજય હતો.અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૧ રન ફટકાર્યા હતા જેના જવાબમાં ભારતે ૧૮.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.
તિલક વર્મા ૧૯ બોલમાં ૩૦ રન ફટકારીને અણનમ રહ્યો હતો.ભારત માટે અભિષેક શર્મા અને શુભમન ગિલે પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી.
૨૦૨૫ના એશિયા કપમાં કોઈ પણ વિકેટ અને કોઈ પણ ટીમ માટે આ પહેલી વાર સદીની ભાગીદારી જોવા મળી હતી. તેમાં ય અભિષેક શર્મા આક્રમક રહ્યો હતો. તેણે માત્ર ૨૪ બોલમાં અડધી સદી પૂરી કરી હતી. પાકિસ્તાન સામેની ટી૨૦માં ભારત તરફથી આ સૌથી ઝડપી અડધી સદી હતી. અગાઉ યુવરાજસિંઘે ડિસેમ્બર ૨૦૧૨માં અમદાવાદ ખાતે ૨૯ બોલમાં ૫૦ રન પૂરા કર્યા હતા.
અભિષેક સાથે દસ ઓવરમાં ૧૦૫ રન ઉમેર્યા બાદ શુભમન ગિલ ૨૮ બોલમાં આઠ ચોગ્ગા સાથે ૪૭ રન ફટકારીને આઉટ થયો હતો. ગિલની વિકેટ પડ્યા બાદ ભારતે ઉપરા ઉપરી બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને માત્ર ત્રણ રમીને હેરિસ રઉફના બોલે આઉટ થઈ ગયો હતો. આ બંને વિકેટ બાદ અભિષેક શર્મા પણ લાંબું ટકી શક્યો ન હતો.
તેણે ૩૯ બોલમાં પાંચ સિક્સર અને છ ચોગ્ગા સાથે ૭૪ રન ફટકાર્યા હતા. ભારતે અંતે ટારગેટ તો વટાવી દીધો હતો પરંતુ તે દરમિયાન સંજુ સેમસનની વિકેટ પણ ગુમાવી દીધી હતી જેણે ૧૩ રન ફટકાર્યા હતા.પાકિસ્તાન માટે હેરિસ રઉફે બે મહત્વની વિકેટ લીધી હતી.
અગાઉ પાકિસ્તાને આ મેચમાં નોંધપાત્ર બેટિંગ કરી હતી. ઓપનર સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકારી હતી જેને કારણે પાકિસ્તાન ૧૭૨ રનનો ટારગેટ આપવામાં સફળ રહ્યું હતું.
પાકિસ્તાન માટે સાહિબજાદા ફરહાને ૪૫ બોલમાં ત્રણ સિક્સર અને પાંચ ચોગ્ગા સાથે ૫૮ રન ફટકાર્યા હતા તો તે સિવાયના બેટર્સે પણ ઉપયોગી રન નોંધાવ્યા હતા. સઈમ અયૂબે ૧૭ બોલમાં ૨૧, મોહમ્મદ નવાઝે ૧૯ બોલમાં ૨૧ અને ફહીમ અશરફે માત્ર આઠ બોલમાં બે સિક્સર સાથે અણનમ ૨૦ રન ફટકાર્યા હતા.
બીજી વિકેટ માટે ફરહાન અને સઈમ અયૂબે આઠ ઓવરમાં ૭૨ રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂતી પ્રદાન કરી હતી. જોકે બીજી તરફ ભારતીય ફિલ્ડર્સે કેટલાક કેચ પણ ગુમાવ્યા હતા. ખાસ કરીને અભિષેક શર્મા અને કુલદીપ યાદવે જીવતદાન આપ્યા હતા.
જસપ્રિત બુમરાહ આ મેચમાં તેની આગવી શૈલીથી બોલિંગ કરી શક્યો ન હતો અને ચાર ઓવરમાં ૪૫ રન આપ્યા હતા. તેની કારકિર્દીમાં આ એવી ત્રીજી મેચ હતી જેમાં તેણે ૪૦ કરતાં વધારે રન આપ્યા હોય પરંતુ એકેય વિકેટ મળી ન હોય.
શિવમ દૂબેએ બે વિકેટ લીધી હતી તો હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે એક એક વિકેટ લીધી હતી. એશિયા કપમાં ભારતીય ટીમ હવે ૨૪મીએ બાંગ્લાદેશ સામે રમશે તો તે અગાઉ ૨૩મીએ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે.SS1MS