મશીન-પાટ્ર્સની આડમાં લવાયેલા ૧૨ લાખના ગાંજા સાથે એક ઝબ્બે

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના બારેજામાં એક ટ્રકમાં ગાંજાનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે સોસાયટીના ગેટ પાસે ઉભેલી આઇસરમાં તપાસ કરતા ૧૨ લાખની કિંમતનો ૧૨૬ કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક માલિકની ધરપકડ કરી તપાસ કરતા આ ગાંજો ઓરિસ્સાથી રાજકોટના શખ્સે મગાવીને બારેજાના યુવકને મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ફરાર ત્રણ આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.
અસલાલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની ટીમે બાતમીના આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે બારેજા ગામમાં આવેલી હરીકૃપા સોસાયટી પાસે એક ટ્રકમાં ગેરકાયદે વસ્તુઓ પડી છે. જેથી પોલીસે રેડ કરીને આ ટ્રકમાં તપાસ કરતા મશીન અને સ્પેરપાટ્ર્સની આડમાં લવાયેલો ૧૨.૬૪ લાખની કિંમતનો ૧૨૬ કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક માલિક આરોપી પ્રતાપ બગોરાની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેણે પોલીસથી બચવા માટે અલગ અલગ ચારથી વધુ કોથળામાં ૨૫ પડીકા બનાવીને આ જથ્થો છૂપાવ્યો હતો. છ દિવસ પહેલાં તે આ જથ્થો લઇને આવ્યો હતો.
આ જથ્થો બારેજાના મહેશ રાવળનો હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં સામે આવ્યું કે આ જથ્થો ઓરિસ્સાના પિન્ટુ પાસેથી રાજકોટના જતીન દેવમુરારીએ મગાવીને આપ્યો હતો. જેથી પોલીસે કુલ ૪૩.૨૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.SS1MS