ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત

ગાંધીનગર, ગાંધીનગર શહેર નજીક ધોળેશ્વર પાસે પસાર થતી સાબરમતી નદીમાં અમદાવાદથી આઠેક જેટલા મિત્રો નદીમાં નાહવા માટે પડયા હતા. જે પૈકી એક યુવાનનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. અહીં પ્રતિબંધ હોવા છતાં નદીમાં નાહવાની પ્રવૃત્તિ વધી હોવાથી જાહેરનામું કાગળ ઉપર જ રહી ગયું હોવાનું લાગી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઊંડા ખાડા છે અને આ સ્થિતિમાં વરસાદી પાણી આવ્યા બાદ હવે આ ખાડાઓમાં પાણી ભરાઈ રહ્યા છે. જેથી જિલ્લામાં નદી અને તળાવમાં નહીં આવવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ તેનું પાલન થતું નથી.
આજે મોટી સંખ્યામાં લોકો ધોળેશ્વર પાસે સાબરમતી નદીમાં નાહવા માટે પડયા હતા તે દરમિયાન અમદાવાદના એક યુવાનનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ ઇન્કમટેક્સ ખાતે આવેલી પીજીમાં રહેતા ૮ જેટલા મિત્રો પિતૃ અમાવસ્યા નિમિત્તે ધોળેશ્વર મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમણે જોયું તો નદીમાં મોટી સંખ્યામાં લોકો નાહવા માટે પડયા હતા. જેના પગલે આ યુવાનો પણ અહીં નદીના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા.
જે પૈકી મૂળ મહારાષ્ટ્રનો યુવાન ગૌતમ શ્યામભાઈ દુરાંગ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેના પગલે અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી હતી અને તેનો મિત્ર કુલદીપ પ્રજાપતિ નદીમાં કૂદી પડયો હતો પરંતુ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યાે હતો જો કે કુલદીપને બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ ગૌતમ પાણીમાં ડૂબી ગયો હતો.
જે સંદર્ભે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડના હાથમાં કંઈ આવ્યું નહોતું અને પરત ફરી હતી ત્યારે સ્થાનિક તરવૈયાઓને રૃપિયા આપીને આ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે અંગે હાલ પોલીસે અકસ્માતે મોત દાખલ કરી તપાસ શરૃ કરી છે.SS1MS