તા. 22 સપ્ટેમ્બરે PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ

નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી
રાજ્યના 6.42 લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને રૂ. 10 લાખની કેશલેસ સહાય મળશે
PMJAY યોજના શરૂ થયાના સાત વર્ષમાં રાજ્યમાં 13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો
આજે 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G- કેટેગરી)” નો શુભારંભ થયો છે.
જેના પગલે રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. 10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૩૦૩.૫ કરોડનો ખર્ચ થશે.
અત્રે નોધનીય છે કે, વર્ષ 2018 થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. જેમાં કુલ 51.27 લાખ દાવાઓ માટે કુલ રૂ. 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ 2708 હોસ્પિટલ (જેમાં 943 – ખાનગી , 1765 – સરકારી) એમ્પેન્લ્ડ છે.જેમાં 2471 પ્રોસિઝરનો લાભ અપાય છે.
આ યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે 079-66440104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરાયો છે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે વર્ષ 2012 માં રૂ. 30 કરોડની બજેટ જોગવાઇ થી શરૂ થયેલ મા યોજના વર્ષ 2014 માં મા – વાત્સલ્ય યોજનામાં પરિણમી હતી. જેમાં વર્ષ 2012 થી વર્ષ 2018 સુધીમાં રૂ. 1179.19 કરોડના ક્લેઇમ ચૂકવણી કરાઇ હતી.
108 એમ્બ્યુલન્સ વિષે ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૦૮ સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે નાગરીકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા આજે વધુ ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં કાર્યરત કરવામાં આવી છે.
શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવા હેઠળ અત્યારે ૯૧૩ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં આજે નવી ૯૪ એમ્બ્યુલન્સનો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થા અને સરકારી હોસ્પિટલોમાં કાર્યરત ૫૪૨ જેટલી એમ્બ્યુલન્સને ઇન્ટર-ફેસિલિટી ટ્રાન્સફરમાં વધુ કાર્યક્ષમ અને તેના નજીકના વિસ્તારની મેડિકલ ઈમરજન્સીમાં પ્રતિસાદ પૂરો પાડી શકાય તે માટે રાજ્યની ૧૦૮ સેવા હેઠળ ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. જેથી રાજ્યમાં ૧૦૮ સેવા હેઠળ હાલમાં 1549 એમ્બ્યુલન્સ થકી તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં પૂરતો એમ્બ્યુલન્સનો કાફલો, તાલીમબદ્ધ માનવબળ સાથે ઉપલબ્ધ છે.
આરોગ્ય મંત્રીશ્રીએ ૧૦૮ સેવાની કાર્યક્ષમતા વર્ણવતા કહ્યું હતું કે, ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા દ્વારા પ્રતિદિન સરેરાશ ૪૩૦૦ થી ૪૫૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.
જેના માટે પ્રતિ માસ સરેરાશ ૩૮ લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે, જેથી રાજ્યના નાગરિકોને આ સેવાનો લાભ અવિરત ૨૪x૭ મળતો રહે. ૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા ફોન કોલને પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ છે.
આટલું જ નહિ, અત્યાર સુધીમાં ૧૦૮ સેવા હેઠળ ૫૬ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ૧.૭૭ કરોડથી વધુ નાગરિકોને કટોકટીના સમયમાં સેવા આપવામાં આવી છે. સાથે જ, ૧૭ લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મૂકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને બચાવવામાં આવી છે. ૫૮.૭૦ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવી છે. વધુમાં, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧.૫૨ લાખથી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં ૧૦૮ સેવાએ મદદ કરી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યુ હતું કે, સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવા હેઠળ અત્યાર સુધીમાં કુલ ૭૨ જેટલા ઓર્ગન તેમજ ગંભીર દર્દીઓના પરિવહન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત દરિયો ખેડતા રાજ્યના માછીમારોના આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહ્યો છે. તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થઇ રહ્યો છે અને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ ઝડપથી પહોંચી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.