ફેસબુક પર કોમેન્ટમાં સ્માઈલીની ઈમોજીને કારણે યુવાનની હત્યા

રાજકોટ, ફેસબુક પરની સ્ટોરીમાં મુકાયેલી સ્માઈલીની ઈમોજી રાજકોટમાં એક યુવાનની હત્યાનું કારણ બની છે. મૂળ બિહારના આ યુવાને દાદાનું અવસાન થતાં તેને શ્રધ્ધાંજલિ આપવા ફેસબુક પર મુકેલી સ્ટોરીમાં તેના જ વતનના બે આરોપીઓએ સ્માઈલીની ઈમોજી પોસ્ટ કરી હતી.
આ બાબતે ઝઘડો થતાં બંને આરોપીઓએ યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. મૂળ બિહારના કૈમુર બભુવા જીલ્લાનો વતની પ્રિન્સ અનિલભાઈ ભીંડ (ઉ.વ. ૨૦) રાજકોટના પટેલનગર-૨માં આવેલા જહાનવી પ્રોસેસ હાર્ડવેર નામના કારખાનામાં મજુરી કામ કરતો હતો. તે કારખાનામાં જ તેના કાકા-બાપાના ભાઈઓ સાથે રહેતો હતો.
ચારેક મહિના પહેલાં તેના દાદાજી રૂપનારાયણ બીનનું અવસાન થયું હતું. જેથી તેણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં દાદાજીના ફોટા સાથેની સેડ સ્ટોરી મુકી હતી. તે જ દિવસે તેના ગામના અને હાલ પટેલનગરમાં તેની બાજુમાં રહેતાં બિપીન રજીન્દર ગોડે તેની સ્ટોરીમાં સ્માઈલીની ઈમોજી મુકી રીપ્લાય આપ્યો હતો. જેને કારણે બંને વચ્ચે મોબાઈલ ફોનમાં બોલાચાલી થઈ હતી.
ત્યાર પછી બંને એક-બે વખત રૂબરૂ મળતાં ત્યારે પણ બોલાચાલી થઈ હતી. ગઈ તા. ૧૧ના રોજ રાત્રે પ્રિન્સ તેના કારખાનાની બહાર રિક્ષામાં બેસી મોબાઈલ ફોન જોતો હતો ત્યારે અચાનક બિપીન અને તેના જ વતનનો બ્રિજેશ ધસી આવ્યા હતા.
બંને આરોપીઓને જોઈ પરિસ્થિતી પામી ગયેલા પ્રિન્સે પોતાના કારખાના તરફ દોટ મુકી હતી. તે સાથે જ બંને આરોપીઓએ તેનો પીછો કરી આંતરી લીધા બાદ બીપીને તું શું મારી સાથે અવાર-નવાર ઝઘડો કરે છે, આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી તેને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ પ્રિન્સની બુમાબુમ સાંભળી તેના મિત્રો અને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.
તત્કાળ તેને ગુંદાવાડી બાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ભક્તિનગર પોલીસે તેની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યાે હતો. ગંભીર રીતે ઘવાયેલા પ્રિન્સે સિવીલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.
નિયમ મુજબ જે-તે વખતે એક આરોપી હાથમાં આવતાં પોલીસે તેને નોટીસ આપી જવા દીધો હતો. હવે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. સાથો-સાથ ભાગી ગયેલા બીજા આરોપીની પણ શોધખોળ શરૂ કરી છે.SS1MS