દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર, જિલ્લાના દહેગામ ખાતે આવેલી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક દ્વારા ભરણપોષણનો દાવો અને ઘરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો દાખલ કરવા માટે ૫૦૦ રૃપિયાની લાંચ માંગવામાં આવી હતી.
જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકું ગોઠવીને આ મહિલા સંચાલકને ઝડપી લેવામાં આવી છે.હાલમાં વિવિધ સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ વધી છે ત્યારે સરકાર અનુદાનીત સંસ્થાઓમાં પણ કામ કરવા માટે લાંચ લેવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કાર્યરત છે. જ્યાં મહિલાઓને મફત કાનૂની સેવા આપવાની હોય છે પરંતુ આ કેન્દ્રનું સંચાલન કરતી મહિલા દ્વારા પણ લાંચ લેવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે.
જે અંગે મળતી વિગતો પ્રમાણે એક મહિલા દ્વારા ભરણપોષણનો દાવો અને ઘરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો દાખલ કરવા મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક કાજલબેન ભાનુકાંતભાઈ દાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેમના દ્વારા ફાઈલ તૈયાર કરી આપવા માટે ૫૦૦ રૃપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી તેણી લાંચ આપવા માગતી ના હોવાથી ગાંધીનગર એસીબીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
જેના પગલે એસીબીના નાયબ નિયામક એ.કે પરમારના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ સોલંકી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તેમાં આ મહિલા સંચાલક કાજલબેન દાણી ૫૦૦ રૃપિયાની લાંચ લેતા કચેરીમાં જ ઝડપાઈ ગયા હતા. જેથી તેમની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.SS1MS