કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો

ગાંધીનગર, ગાંધીનગર શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે કુડાસણમાં ઘર નજીક શાકભાજી લેવા માટે જઈ રહેલી મહિલાના ગળામાંથી ૧.૭૫ લાખ રૃપિયાનો સોનાનો દોરો તોડીને બાઈક ઉપર આવેલો ચેઇન સ્નેચર ફરાર થઈ ગયો હતો.
જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ચેઇન સ્નેચરો પણ સક્રિય થયા છે. આ સ્થિતિમાં કુડાસણમાં વધુ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપની ઘટના બહાર આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણમાં આવેલી સમન્વય રેસીડેન્સીમાં રહેતા રૃપલબેન જીગ્નેશભાઈ તન્ના તેમના ઘર નજીક શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો બાઈક ચાલક તેમની પાછળ આવ્યો હતો અને તેમના ગળામાંથી દોઢ તોલા વજનનો ૧.૭૫ લાખ રૃપિયાનો સોનાનો દોરો તોડીને ભાગી ગયો હતો.
જે ઘટનાને પગલે તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને શાકભાજીની દુકાનના માલીક પણ બાઈક લઈને આ ચેઇન સ્નેચરનો પીછો કરવા લાગ્યા હતા પરંતુ તેનો કોઈ જ પતો લાગ્યો ન હતો.
ચેઇન સ્નેચર દ્વારા હેલ્મેટ પણ પહેરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઇન સ્નેચર ને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.SS1MS