બાળ દેવો ભવ: ઓલપાડનાં મોર ટુંડા ગામની આંગણવાડી બહેનો માતા યશોદા એવોર્ડથી સન્માનિત

Surat, ઓલપાડ તાલુકાનાં દિહેણ સેજાની મોર ટુંડા ગામની આંગણવાડી ખાતે ફરજ બજાવતાં વર્કર બહેન શ્રીમતી રોશનીબેન રાહુલભાઈ પટેલ તથા હેલ્પર બહેન શ્રીમતી પ્રભાવતીબેન અશોકભાઈ પટેલને I.C.D.S. (સંકલિત બાળ વિકાસ સેવા) અંતર્ગત બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કરેલ શ્રેષ્ઠ કામગીરીને માન આપી ઓલપાડ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં તાલુકા કક્ષાનાં ‘માતા યશોદા એવોર્ડ’ થી ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ગામની બંને કર્તવ્યનિષ્ઠ બહેનોની આ ઉપલબ્ધિને ગામનાં સરપંચ વૈશાલીબેન પટેલે ખૂબ જ ગૌરવપ્રદ બાબત ગણાવી હતી.
આ પ્રસંગે તેમણે બહેનોનાં સમર્પણ, મહેનત અને સેવાભાવની સરાહના કરી તેમને સમસ્ત મોર ટુંડા ગામ વતી અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે ટુંડા ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળા પરિવાર તરફથી પણ તેઓને અભિનંદન સહ ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.