Western Times News

Gujarati News

કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 8/9 પર સબસ્ટ્રક્ચરનું કામ રેકોર્ડ 70 દિવસમાં પૂર્ણ થયું

અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસમાં મોટી ઉપલબ્ધિ:  સબસ્ટ્રક્ચર કાર્યમાં એટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી આઠ ઓલિમ્પિક આકારના સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સ બની શકે છે.

પ્લેટફોર્મ ટ્રેન સંચાલન માટે પુન: શરુ : નવજીવન એક્સપ્રેસએસી ડબલ ડેકર એક્સપ્રેસગુજરાત ક્વીન એક્સપ્રેસ અને ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનો પુન: અમદાવાદથી પ્રારંભ

Ahmedabad, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) એ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ  છે. આ પ્રોજેક્ટ અમદાવાદ શહેરને એક અત્યાધુનિક, વિશ્વ કક્ષાનું સ્ટેશન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી શરુ કરવામાં આવી છે  જેમાં મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે અને તેમના સ્ટેશન પરનો અનુભવ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

આ પ્રોજેક્ટ હેઠળ, 5 જુલાઈ, 2025 થી પ્લેટફોર્મ 8 અને 9 પર 70 દિવસનો મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો, જેથી એક વિશાળ કોંક્રિટ કોન્કોર્સનું નિર્માણ થઈ શકે  જેની લંબાઈ 503 મીટર અને પહોળાઈ 140 મીટર છે. આ કોન્કોર્સ પ્લેટફોર્મ નંબર 1 થી 9 સુધી ફેલાયેલો છે અને તેનો ઉદેશ્ય મુસાફરોને દરેક પ્લેટફોર્મ પર સરળ રીતે અવરજવર ની સુવિધા આપવાનો છે.

આ બ્લોક દરમિયાન, પ્લેટફોર્મ 8 અને 9 પર સબસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્ય રેકોર્ડ 70 દિવસમાં પૂરું કરવામાં આવ્યું, જે ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી વાર આટલા મોટા પાયે આટલી કાર્યક્ષમતા અને સમયસરતા સાથે કરવામાં આવ્યું  છે. આ દરમ્યાન કુલ 146 પાઇલ, 38 પાઇલ કેપ  અને 76 પેડેસ્ટલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. 4,800 ઘન  મીટર કોંક્રિટ અને 510 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત, ચાર એલિવેટર પિટ  અને ચાર એસ્કેલેટર પીટ પણ બનાવવામાં આવ્યા હતા.

આ નિર્માણની ગુણવત્તા અને સ્કેલનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે આટલી સામગ્રીથી આઠ ઓલિમ્પિક આકારના સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્ષ બની  શકે છે. આ કાર્યમાં એક ખાસ પાઇલ કેપ (40 મીટર x 8 મીટર આકારના) પણ શામેલ છે. તેમાં 20 પાઇલ, 10 પેડેસ્ટલ અને 2 લિફ્ટ પિટ પણ સામેલ છે. આ સંરચના આવનારા સમયમાં બનનારા કોન્કોર્સની મજબૂતાઈ અને ટકાઉપણું માટે પાયો પૂરો પાડશે.

સબસ્ટ્રક્ચર નિર્માણ કાર્ય પછી પ્લેટફોર્મ 8 ને ટ્રેનોના સંચાલન માટે પુન: ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના કારણે નવજીવન એક્સપ્રેસ, એસી ડબલ ડેકર એક્સપ્રેસ, ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોને અન્ય સ્ટેશનોથી અમદાવાદ સ્ટેશન પર પાછી સ્થાનાન્તરિત કરવામાં આવી છે. આનાથી મુસાફરોને વટવા, મણિનગર અથવા અસારવા જેવા વૈકલ્પિક સ્ટેશનો પર જવાની જરૂર રહેશે નહિ .

પ્લેટફોર્મ 8 પર અસ્થાયી રૂપે મુસાફરોની સુવિધા માટે કવર્ડ શેડ,પીવાના પાણીની સુવિધા, સાઇન બોર્ડ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ કામચલાઉ ધોરણે વિકસાવવામાં આવી છે. મુસાફરોની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા,બાંધકામ દરમિયાન સ્ટેશનની દક્ષિણ બાજુએ 6 મીટર પહોળો એક નવો ફૂટઓવર બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, જે પ્લેટફોર્મ વચ્ચે સરળ ગતિવિધિ સુનિશ્ચિત કરવા માટે હાલની લિફ્ટ સાથે જોડાયેલ છે.

પશ્ચિમ રેલવે  અને આરએલડીએ આ ઐતિહાસિક  પ્રોજેક્ટને સમયસર, સુરક્ષિત રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ પુનર્વિકાસ માત્ર અમદાવાદ શહેર માટે જ નહીં, પરંતુ દેશભરના રેલ્વે મુસાફરો માટે એક નવું ઉદાહરણ પૂરું પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.