દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ!

ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ-
ગાંધીનગર, છેલ્લાં એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતાં રાજકીય માહોલ ગરમાયો છે. એટલુ જ નહીં, ફરી એકવાર અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસીય મુલાકાતે આવ્યાં છે.
અમિત શાહે દર વર્ષની જેમ નવરાત્રિના પાવન પ્રસંગે આ વર્ષે પણ મારા પૈતૃક ગામ માણસા ખાતે બહુચર માતા મંદિરમાં માતાજીના દર્શન-પૂજા કરીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ગાંધીનગરના માણસા ખાતે સોની સૂર્યાબેન ડાહ્યાલાલ વિદ્યાસંકુલના નવા મકાનનું ઉદ્ઘાટન કર્યું. ₹10 કરોડના ખર્ચે બનેલ આ ઇમારત અત્યાધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સ્કૂલિંગથી સજ્જ છે.
માણસાના પરમ પૂજ્ય મૌનીજી મહારાજના માર્ગદર્શન હેઠળ ‘સૌને શિક્ષણ’ ના મંત્ર સાથે શરૂ થયેલ આ વિદ્યા સંકુલ છેલ્લા 25 વર્ષથી વિસ્તારના બાળકોને શિક્ષિત કરવાની સાથે સાથે તેમના ચારિત્ર્યનું પણ નિર્માણ કરી રહ્યું છે. ગરબા ભક્તિ, શક્તિ અને નવરાત્રિના આનંદનું પ્રતીક છે. ગાંધીનગર ખાતે આ શુભ અવસર પર કેસરિયા ગરબા – નવરાત્રિ 2025 મહોત્સવના ગરબા જોઈને મન આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠયું.
આ સૂચક પ્રવાસને જોતાં આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે તેનુ કારણ એ છે કે, સુરત ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો-ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી.
મંગળવારે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. સુરતમાં કોસમાડામાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના નિવાસસ્થાને ભોજન લીધું હતું.
પહેલીવાર એવું થયું કે, અમિત શાહ સાથે મુલાકાત લેનારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય, સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ કલરના પાસ અપાયા હતા. શાહે બધાની સાથે વન ટુ વન બેઠક કરી હતી. સરકીટ હાઉસમાં મોડી રાત સુધી બંધબારણે બેઠકનો દોર ચાલ્યો હતો. જોકે, સુરતના કેટલાંક ઉદ્યોગપતિઓએ પણ શાહ સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન, બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીનો જંગ છેડાયો છે. ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો છે. આ રસપ્રદ ચૂંટણીની વ્યસતતા વચ્ચે વહેલી સવારે વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત સરકીટ હાઉસ પહોચ્યાં હતાં જ્યાં બને વચ્ચે અડધો કલાક સુધી બેઠક થઈ હતી.
સુરતના પ્રવાસ પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતા જ્યાં સહકાર સંમેલનમાં ભાગ લીધો હતો. છેલ્લાં કેટલાંય વખતથી રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અસંતોષનો ચરુ ઉકળ્યો છે ત્યારે રાજકોટ સરકીટ હાઉસમાં પણ અમિત શાહે ધારાસભ્ય-સ્થાનિક નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે જે રીતે અમિત શાહે બેઠકોનો દોર શરુ કર્યો છે તે જોતાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક નજીકના દિવસોમાં થાય તેવા અણસાર છે. આ કારણોસર ફરી એકવાર નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વેગ મળ્યુ હતું. ટૂંકમાં, નવરાત્રિથી દિવાળી સુધીમાં ગુજરાતમાં કંઈક નવાજૂની થશે તે નક્કી છે.
રાજકોટ પ્રવાસ પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. ઍરપોર્ટથી તેઓ સીધા સરકીટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં તેમણે ડીજીપી સાથે બેઠક યોજી ૨૦ મિનિટ સુધી ચર્ચા કરી હતી. અમદાવાદના પ્રવાસ દરમિયાન શાહ ધારાસભ્ય-ભાજપના નેતાઓને પણ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમિત શાહ અમદાવાદમાં છે. જ્યાં તેઓ વાવોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે.
બપોરે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગર સરકીટ હાઉસમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો મુદ્દે સમીક્ષા બેઠક યોજશે. કલોલ-માણસામાં વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. મોડી રાત્રે ગાંધીનગરમાં નવરાત્રિમાં ઉપસ્થિત રહેશે.