Western Times News

Gujarati News

15 દિવસમાં વૈષ્ણોદેવીથી સનાથલ સુધી ડ્રેનેજ બેકીંગની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેકટના અધિકારીઓ સાથે અમિત શાહે ખાસ ચર્ચા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી- 

69 તળાવની જવાબદારી યુ.એન.મહેતા ફાઉન્ડેશનને સોંપવામાં આવી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારે વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે તેમણે પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસકામો માટે ખાસ સમય ફાળવ્યો હતો અને ઘાટલોડિયા વિધાનસભા સહિત ૪ નગરપાલિકાના અધિકારીઓ સાથે વિકાસકામોની ચર્ચા કરી હતી જેમાં અમદાવાદના વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં આવતા ૬૯ તળાવોની જાળવણી માટે યુ.એન. મહેતા ફાઉન્ડેશનને કામ સોંપવામાં આવ્યું હતું.

ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે મંગળવાર બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેકટના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી જેમાં વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, ગોતા, બોપલ, સનાથલ થઈ ફતેહવાડી સુધી જતી વેસ્ટર્ન ટ્રંક લાઈન મહત્વનો મુદ્દો રહયો હતો. આ ટ્રંક લાઈન માટે અંદાજે રૂ.૩૦ર કરોડનો ખર્ચ થયો છે તેની લંબાઈ ર૭.૭૧ કિ.મી. છે જે પૈકી હાલ માત્ર ૧ર૦ મીટરનું જ કામ બાકી છે જે આગામી ૧૦ થી ૧પ દિવસમાં પૂર્ણ થઈ જશે.

સદર ટ્રંક લાઈન કાર્યરત થયા બાદ વૈષ્ણોદેવીથી સનાથલ સુધી ડ્રેનેજ બેકીગની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે અને તેનો લાભ અંદાજે ૧૮.ર૦ લાખ લોકોને મળશે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા ૬૯ તળાવ ડેવલપ કરવામાં આવ્યા છે તેમજ તળાવની બાજુમાં વૃક્ષારોપણ કરી નાના મોટા બગીચા પણ બનાવવામાં આવ્યા છે

આ તમામ તળાવ-બગીચાને મેઈનટેઈન કરવાની જવાબદારી યુ.એન.મહેતા ફાઉન્ડેશનને સોંપવામાં આવી છે. આ ફાઉન્ડેશન બગીચામાં સિકયોરિટી લાઈટીંગ, સફાઈ સહિતની કામગીરી કરશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ૬૯ પૈકી ૬ર તળાવ-બગીચા છે. જયારે સાણંદ તાલુકામાં ૦૩, બાવળા તાલુકામાં-૦૧, ગાંધીનગર શહેરમાં ૦૬, કલોલ શહેરમાં- ૦ર, કલોલ તાલુકામાં ૦ર અને માણસામાં ૧ર તળાવો આવેલા છે આ ૬૯ તળાવોની આસપાસ કુલ ૧.૮૭ લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા છે.

જેમાં ચાંદલોડિયા તળાવ પાસે ૪૬૬પ૯, ગોતા તળાવ પાસે ૭પ૭૪૦ અને સરખેજ તળાવ પાસે ૧૧૪૭પ વૃક્ષ લગાવવામાં આવ્યા છે. ઘાટલોડિયા વિધાનસભાના ૪ર તળાવો પાસે કુલ ૧૪૦૪૮૦ વૃક્ષ લગાવ્યા છે જયારે ગાંધીનગરમાંના વોર્ડ નં.૭ કોલવડામાં ૩૩ હજાર, રાંધેજા-૧૦૦, પેથાપુર-૬ હજાર વૃક્ષ લગાવ્યા છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની હદમાં કુલ ૪૩ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીની મીટીંગમાં મુખ્ય મુદ્દો બાવળા, સાણંદ, માણસા નગરપાલિકાના વિકાસકામનો રહયો હતો. આ નગરપાલીકાઓમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા પીવાલાયક પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા સહીતના કામો માટે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ નકકી થયેલ કાર્યક્રમ મુજબ આ મીટીંગ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે થવાની હતી પરંતુ ગાંધીનગરમાં અતિ વ્યસ્ત કાર્યક્રમ હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જ મીટીંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.