Western Times News

Gujarati News

પૈસાની વસૂલાત માટે અદાલતો રિકવરી એજન્ટ ન બની શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, બાકી નાણાની વસૂલાત માટે ફોજદારી કેસો દાખલ કરવાના ટ્રેન્ડ અંગે સખત નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે અદાલતો રિકવરી એજન્ટ તરીકે કામ કરી શકે નહીં. ન્યાયતંત્રના આવા દુરુપયોગને મંજૂરી આપી શકાય નહીં. ફોજદારી કાયદાનો આવો દુરુપયોગ ન્યાયતંત્ર માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે.

ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે બાકી રકમની વસૂલાત માટે ધરપકડની ધમકીનો ઉપયોગ કરી શકાય નહીં. તાજેતર આ એક ટ્રેન્ડ છે, જ્યાં પક્ષકારો પૈસા વસૂલવા માટે ફોજદારી કેસ દાખલ કરે છે, જે સંપૂર્ણપણે એક દીવાની વિવાદ હોય છે.

ઉત્તરપ્રદેશના એક ફોજદારી કેસની સુનાવણી દરમિયાન સર્વાેચ્ચ અદાલતે આ અવલોકનો કર્યા હતાં. આ કેસમાં ખંડપીઠે નોંધ્યું હતું કે પૈસાની વસૂલાતના વિવાદમાં એક વ્યક્તિ સામે અપહરણના આરોપો લગાવવામાં આવ્યાં હતાં.

ઉત્તરપ્રદેશ સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે આવી ફરિયાદોનો ઉલ્લેખ કરી જણાવ્યુ હતું કે આવા કિસ્સાઓમાં પોલીસ બંને બાજુથી અટવાઈ જાય છે કારણ કે જો તે ગુનો દાખલ ન કરે તો કોર્ટ તેની ટીકા છે અને જો ગુનો દાખલ કરે તો તેના પર પક્ષપાતી કાર્યવાહી કરવાનો અને કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવાનો આરોપ મૂકવામાં આવે છે.

સામાન્ય રીતે આવી ફરિયાદોમાં પૈસાની વસૂલાત માટેના વિવાદને ફોજદારી ગુનો બનાવવામાં આવે છે. ન્યાયાધીશ કાંતે કહ્યું હતું કે તેઓ પોલીસની વિકટ સ્થિતિને સમજે છે. જો કોઈ એફઆઈઆર નોંધવામાં ન આવે તો સુપ્રીમ કોર્ટના ૨૦૧૩ના લલિતા કુમાર ચુકાદાનું પાલન ન કરવા બદલ પોલીસની ટીકા કરવામાં આવે છે.

કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા તે દીવાની કેસ છે કે ફોજદારી કેસ છે તે નક્કી કરવા પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની પોલીસને સલાહ આપતાં ખંડપીઠે જણાવ્યું હતું કે ફોજદારી કાયદાનો આવો દુરુપયોગ ન્યાય વિતરણ પ્રણાલી માટે ગંભીર ખતરો ઉભો કરે છે.

ન્યાયાધીશ કાંતે કહ્યું હતું કે અદાલતો બાકી રકમ વસૂલવા માટે પક્ષકારો માટે રિકવરી એજન્ટ નથી. ન્યાયતંત્રના આ દુરુપયોગને મંજૂરી આપી શકાય નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.