પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવ્યાઃ પત્નીનું મોત, સાસુ ગંભીર

પ્રતિકાત્મક
ઘરકંકાસમાં પતિ જ્વલનશીલ પ્રવાહી લાવી બ્યુટીપાર્લરને આગ ચાંપી
(એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં પતિ દ્વારા પત્ની અને સાસુને જીવતા સળગાવવાનો હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. કમલ કોમ્પ્લેક્સ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી પત્ની જયાબેનનું સારવાર દરમિયાન મોત થતા હવે આ કેસ હત્યામાં પલટાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયાબેન પહેલા લગ્ન પછી છૂટાછેડા લીધા બાદ આશરે પાંચ મહિના પહેલા અશોક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે છેલ્લા ત્રણ મહિનાથી કમલ કોમ્પ્લેક્સમાં બ્યુટી પાર્લર પર કામ કરતી હતી. અશોક અને જયાબેનના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ ચાલુ હતું અને દોઢ મહિના અગાઉ જયાબેન દ્વારા પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અશોક ઘરના વિવાદને કારણે ભારે ગુસ્સામાં આવી ગયો હતો. તેણે નક્કી કરેલ રીતે જ્વલનશીલ પદાર્થ લાવીને પત્ની જયાબેન અને તેની માતા પર ઢાંસી દેતા બંને જીવતી સળગી ગઈ હતી. ઘટનામાં જયાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જયાબેનની માતાની સ્થિતિ અંગે હજુ જાણકારી આપવામાં આવેલી નથી.
ઘટનાની જાણ સરદારનગર પોલીસે થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે સરદારનગર પીઆઈ મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે, પતિએ ઘર કંકાસમાં પત્નિ તેમજ સાસુને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. પત્નિ જયાબેનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ વિભાગે ઘટના સ્થળ પરથી પુરાવા એકઠા કરી અને એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અશોક પણ ઈજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે અને તેને સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. અશોક છુટક મજૂરી કરીને ગુજરાત ચલાવતો હતો.