આમોદના કેટલાક વિસ્તારોમાં ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરથી સ્થાનિક રહીશો ત્રાહિમામ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ભાજપ શાસિત નગરપાલિકા અને તેના જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં જાડી ચામડી ધરાવતી નગરપાલિકાએ આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે. ઉભરાતી ગટરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે.સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રના કેશ રજિસ્ટર જોવામાં આવે તો પુરસા રોડ અને નવી નગરી વિસ્તારના અનેક બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
સ્થાનિક રહીશોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે.પરંતુ ગટરની ગંદકીથી એટલી દુર્ગંધ ફેલાય છે કે મહેમાનોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઊભો થયો છે.પરિસ્થિતિ એટલી વણસી છે કે સ્થાનિક લોકો ભાજપ હાય હાય, નગરપાલિકા પ્રમુખ હાય હાય અને ચીફ ઓફિસર હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરવા મજબૂર બન્યા છે.
ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન છે. તેઓ વારંવાર રજૂઆતો કરે છે.છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે જતાં શરમ અનુભવી રહ્યા છે. સ્થાનિકોએ કડક ચીમકી ઉચ્ચારી છે કે.
જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીએ લઈ જઈને હલ્લાબોલ કરશે. આમોદના નાગરિકોમાં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ પોતાની ખુરશી છોડીને ક્યારે નગરજનોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.