મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના માર્ગદર્શનમાં ૫૦૦થી વધુ સાધકો ગાયત્રી સાધનામાં જોડાયા

(પ્રતિનિધિ)મોડાસા, નવરાત્રી ઉત્સવમાં મોડાસા તેમજ આસપાસના ગામોના ૫૦૦ થી વધુ સાધકોએ ગાયત્રી ચેતના કેન્દ્રના માર્ગદર્શનમાં ગાયત્રી સાધના પ્રારંભ કરી. નવ્વાણું વર્ષ અગાઉ ૧૯૨૬માં ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ દિપ પ્રજ્વલિત કરી ગાયત્રી સાધના શરુઆત કરેલ. જે અખંડ દીપકની જ્યોતિ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી છે.
જેની એક જ્યોત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પણ સતત પ્રજ્વલિત છે. આ અખંડ જ્યોતિને ૨૦૨૬ માં સો વર્ષ થવા જઈ રહેલ છે. સાથે સાથે સમગ્ર ગાયત્રી પરિવારને માર્ગદર્શન સિંચનાર પ્રેમ કરુણાની મૂર્તિ માતા ભગવતી દેવી શર્માજીના જન્મને પણ ૨૦૨૬ માં સો વર્ષ થાય છે.
જે શતાબ્દી મહોત્સવ અંતર્ગત મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં અનેક આયોજન થઈ રહેલ છે. વિશ્વભરમાં સોળ કરોડથી વધુ સાધકો ગાયત્રી સાધના તેમજ જનસમાજને ઉપયોગી અનેક રચનાત્મક ગતિવિધિઓ સાથે જોડાયેલ છે.
જેના ભાગરુપે આસો સુદ એકમથી પ્રારંભ થયેલ શારદીય નવરાત્રી દરમિયાન ગાયત્રી સાધના સાથે મોડાસા તેમજ આસપાસના ગામોના ૫૦૦ થી વધુ સાધકો જોડાયા છે. સાધકો પોતાના ઘરે પરિવાર સાથે વહેલી સવારે બ્રહ્મમૂહુર્તમાં ગાયત્રી અનુષ્ઠાન સાધના કરી રહેલ છે. જેમાં એક વ્યક્તિએ દિવસની ૩૦ માળાના ગાયત્રી મહામંત્રના જાપ તેમજ વ્રત ઉપવાસ ભક્તિમય નિયમોનું પાલન કરાય છે.
વ્યક્તિગત સાધના સાથે સાથે અનેક સાધકો સામુહિક સાધના સાથે પણ જોડાય છે. ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં બહેનો સામુહિક જાપ સાધના કરી રહી છે. આજ રીતે ગામેગામ પણ વ્યકિતગત તેમજ સામુહિક ગાયત્રી સાધના ચાલી રહેલ છે.આમ નવરાત્રીના ઉત્સવ સાથે સાધનાનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે.