Western Times News

Gujarati News

નિવૃત્ત થયા બાદ અશ્વિન હવે ઓસ્ટ્રેલિયામાં બિગ બેશમાં રમશે

સિડની, ભારતમાંથી તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેનારો મહાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન હવે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ ટી૨૦ ક્રિકેટ લીગમાં રમવા તૈયાર થઈ રહ્યો છે. આ સિઝનમાં તે બિગ બેશ લીગની સિડની થન્ડર્સ ટીમ માટે રમશે.

આમ તે બિગ બેશમાં રમનારો ભારતનો સૌપ્રથમ હાઇ-પ્રોફાઇલ ક્રિકેટર બની જશે.૩૯ વર્ષીય અશ્વિને તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત આaઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને હવે એમ મનાય છે કે તે સિડની થન્ડર્સ માટે કરાર કરવા જઈ રહ્યો છે તેમ ઓસ્ટ્રેલિયન ટીવીએ જાહેર કર્યું હતું.

અશ્વિનના સમાવેશ અંગે સિડની થન્ડર્સ આ સપ્તાહ દરમિયાન સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. અશ્વિન આ સિઝનમાં આઇએલ ટી૨૦ સાથે જોડાયો છે અને તેની હરાજીમાં પણ તેણે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું. તે ચોથી જાન્યુઆરી સુધી આઇએલ ટી૨૦માં રમશે અને ત્યાર બાદ બિગ બેશ લીગના ઉતરાર્ધમાં સિડની માટે રમશે.

બિગ બેશનું આયોજન ૧૪મી ડિસેમ્બરથી ૧૮મી જાન્યુઆરી સુધી થનારું છે. અગાઉ આ મહિનાના પ્રારંભે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઇઓ ટોડ ગ્રીનબર્ગે અંગત રીતે અશ્વિનનો સંપર્ક કર્યાે હતો અને બિગ બેશ લીગમાં ભાગ લેવા અંગે વિચારણા કરવા કહ્યું હતું.

અશ્વિને ગયા મહિને આઇપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તે સાથે તેના માટે વિશ્વભરની વિવિધ ટી૨૦ લીગના માર્ગ ખૂલી ગયા હતા કેમ કે તે તમામ લીગમાં રમવા માટે ઉપલબ્ધ થઈ ગયો હતો.

અશ્વિને આ વખતના બીબીએલના વિદેશી ખેલાડીઓના ડ્રાફ્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોવાને કારણે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તરફથી મંજૂરી મળવી જરૂરી છે અને તેને આ પ્રકારની રાહત મળી શકે તેમ છે.

અગાઉ ૨૦૨૨માં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપટિલને આ જ રીતે પ્રવેશ અપાયો હતો. તે વખતે ગુપટિલ મેલબોર્નની ટીમ માટે રમ્યો હતો.ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે અશ્નિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને તાજેતરમાં તેણે આઇપીએલને પણ વિદાય આપી દીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન ભારત માટે બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. અનીલ કુંબલેની ૬૧૯ વિકેટ બાદ અશ્વિને ૫૩૭ ટેસ્ટ વિકેટ લીધી છે. આઇપીએલમાં તે ૨૨૧ મેચમાં ૧૮૭ વિકેટ ઝડપી ચૂક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.