શું રસ્તાઓની નબળી સ્થિતિને કારણે IT કંપનીઓએ બેંગલુરુ છોડવાની ધમકી આપી?

બેંગલુરુના રસ્તાઓ મુદ્દે ડેપ્યુટી સીએમ શિવકુમારનો આક્રમક બચાવ-
આ પહેલા એક આઈટી કંપનીના CEOએ સોશિયલ મીડિયા પર બેંગલુરુ છોડવાની વાત કરી હતી, જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ શહેરની અંદર જ અન્ય જગ્યાએ જઈ રહ્યા છે.
બેંગલુરુ, બેંગલુરુના રસ્તાઓની બિસ્માર હાલત અને આઈટી કંપનીઓ દ્વારા ઉઠાવાયેલા વાંધા અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આક્રમક વલણ અપનાવ્યું છે. બેંગલુરુ વિકાસ વિભાગનો હવાલો પણ સંભાળતા શિવકુમારે સ્પષ્ટતા કરી છે કે તેઓ ટૂંક સમયમાં આઈટી કંપનીઓના પ્રતિનિધિઓને મળશે. પ્રખ્યાત કન્નડ લેખક એસ.એલ. ભૈરપ્પાને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા શિવકુમારે આ નિવેદન આપ્યું હતું.
‘આઈટી કંપનીઓ બ્લેકમેલ ન કરે’: રસ્તાઓની નબળી સ્થિતિને કારણે આઈટી કંપનીઓ બેંગલુરુ છોડી રહી છે તેવા નિવેદન પર ‘બ્લેકમેલ ન કરે’ જેવા વિવાદાસ્પદ નિવેદન અંગે પૂછવામાં આવતા શિવકુમારે જણાવ્યું હતું કે, “અલબત્ત, હું આઈટી કંપનીઓને મળી રહ્યો છું.
તેઓ અમારા મિત્રો છે, પરંતુ તેમણે પણ પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ.” આ પહેલા એક આઈટી કંપનીના સીઈઓએ સોશિયલ મીડિયા પર બેંગલુરુ છોડવાની વાત કરી હતી, જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ શહેરની અંદર જ અન્ય જગ્યાએ જઈ રહ્યા છે.
દિલ્હીના રસ્તાઓ પર પણ નિશાન: દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન સામેના રસ્તાઓ પર ખાડા અંગેના પોતાના વિવાદાસ્પદ નિવેદનનો બચાવ કરતા શિવકુમારે કહ્યું કે, “હા, ત્યાં ખાડા છે. ત્રણ દિવસ પહેલા હું ત્યાં ગયો હતો અને મેં જાતે જોયું હતું. ભાજપે કર્ણાટકમાં નાટક કરવાનો પ્રયાસ કર્યો છે; તેમને કરવા દો. અમારા કાર્યકર્તાઓ પણ હુબલી, બેલગાવી અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં નાટ્યાત્મક પહેલ કરી શકે છે.” તેમણે બુધવારે ખાડાઓને લઈને ભાજપ દ્વારા કર્ણાટકમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો આડકતરી રીતે ઉલ્લેખ કર્યો હતો.
પૂર્વ ભાજપ સરકાર પર ઠીકરું ફોડ્યું: બેંગલુરુના રસ્તાઓની હાલત માટે શિવકુમારે પૂર્વ ભાજપ સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે, “અમે અમારા કામ પર છીએ. ભારે વરસાદને કારણે મેં સામાન્ય માણસને માત્ર પત્ર લખવા વિનંતી કરી હતી. અગાઉની ભાજપ સરકારના ત્રણ વર્ષના શાસનમાં કોઈ વહીવટી કાર્ય થયું નથી. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ભાગી જવાના નથી, તેથી જ અમે અહીં છીએ. મેં મુખ્યમંત્રીને વિનંતી કરી હતી અને તેમણે ખાડાઓ ભરવા માટે રૂ. ૭૪૦ કરોડ ફાળવીને ઉદારતા બતાવી છે.”
“ભાજપે એક વાત સમજવી જોઈએ કે તેઓએ બેંગલુરુ શહેરમાંથી ઊંચો ટેક્સ વસૂલવા છતાં કોઈ ફંડ આપ્યું નથી. બસવરાજ બોમાઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે ફંડ ફાળવવાની તસ્દી લીધી ન હતી. તેમ છતાં, અમે બેંગલુરુની સંભાળ રાખીશું,” તેમણે ઉમેર્યું.
સાહિત્યકાર ભૈરપ્પાને શ્રદ્ધાંજલિ: આ ઉપરાંત, તેમણે દિવંગત સાહિત્યકાર એસ.એલ. ભૈરપ્પાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિવકુમારે જણાવ્યું કે, “તેમનો વારસો ઇતિહાસ બની ગયો છે. હું તેમને ૧૯૯૩-૯૪થી ઓળખું છું, જ્યારે તેમણે કનકપુરા શહેરમાં કન્નડ સાહિત્ય સંમેલનની અધ્યક્ષતા કરી હતી, જેનું અમે આયોજન કર્યું હતું. તેઓ કન્નડ સાહિત્યના દિગ્ગજ હતા, જેમની કૃતિઓનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમણે પોતાની ઓળખ બનાવી હતી. તેમનું નિધન કન્નડ સાહિત્ય જગત માટે મોટી ખોટ છે.”