થલતેજના વર્ટિકલ વિકાસને ધ્યાનમાં લઈ નવું વોટર ડી. સ્ટેશન બનાવવામાં આવશે

પ્રતિકાત્મક
બહેરામપુરાની પાણી સમસ્યા પણ હળવી કરવામાં આવશે ઃ દિલીપ બગડીયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વધી રહેલા વસ્તી અને વ્યાપ ને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા માળખાકીય સુવિધા ના કામો ઝડપથી મંજૂર કરવામાં આવી રહયા છે.
જે અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનનાં થલતેજ વોર્ડમાં સિંધુભવન એક્સ્ટેન્શન રોડ ટી. પી સ્કીમ નં. ૨૧૫, ફા.પ્લોટ નં – ૧૦૭ માં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવમાં આવશે. જેના માટે રૂ.૧૮.૪૦ કરોડ નો ખર્ચ થશે.આ ઉપરાંત બહેરામપુરા વો.ડી.સ્ટેશનમાં પણ જરૂરિયાત મુજબ સુધારા કરવામાં આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગડીયા ના જણાવ્યા મુજબ ઉત્તર પશ્વિમ ઝોનનાં થલતેજ વોર્ડમાં સરદાર પટેલ રીંગ રોડ સમાન્તર સિંધુભવન એક્ષટેન્શન રોડ તથા તેની આસ પાસનાં વિસ્તારમાં હાલમાં મોટા પ્રમાણમાં વર્ટીકલ ડેવલોપમેન્ટ થઈ રહેલ છે.
હાલમાં સદર વિસ્તારમાં રહિશો દ્રારા ખાનગી બોરવેલ મારફતે ભૂગર્ભ જળનો વપરાશ કરવામાં આવે છે. આ વિસ્તારમાં નર્મદાનું શુધ્ધ પાણી પુરું પાડવા માટે વોટર સપ્લાય ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવો જરૂરી છે.
તેથી પાણીની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી થલતેજ ટી.પી. સ્કીમ નં.-૨૧૫, અંતિમ ખંડ નં. ૧૦૭ માં ૮૬.૬૦ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભટાંકી તથા ૨૦ લાખ લીટરની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે. આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી ભવિષ્યમાં થનાર વિકાસ પ્રમાણે આશરે ૫૫૦૦૦ જેટલી વસ્તીને નર્મદાનું શુધ્ધ પાણી પુરુ પાડી શકાશે.
દક્ષિણ ઝોનમાં આવેલ બહેરામપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે આવેલ હયાત ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મશીનરીઝ જૂની થયેલ હોય તેને ડીસમેન્ટલ કરી જરૂરિયાત મુજબ નવી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મશીનરીઝની ઓગમેન્ટેશનની તેમજ આનુષંગિક સિવિલ કામ કરવામાં આવશે. જેના માટે રૂ.૧,૬૮,૧૨,૪૮૪/ નો ખર્ચ થશે.
આ કામ પૂર્ણ થયા બાદ દાણીલીમડા વોર્ડમાં આવેલ બહેરામપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફતે દાણીલીમડા વોર્ડ વિસ્તારના પઠાણની ચાલી, ધાબાવાળી ચાલી, પરીક્ષિતલાલ વિસ્તાર, સાકળચંદ મુખીની ચાલી, ફકીર મુખીની ચાલી તેમજ બહેરામપુરા વોર્ડ વિસ્તારના ગૌતમ નગર તેમજ સદર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ એરિયામાં પૂરતા પ્રેશર અને જથ્થાથી પાણી પૂરું પાડવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.