લદ્દાખ હિંસા મામલે વાંગચુકે લોકોને ઉશ્કેર્યાઃ નેપાળનો પણ હાથ હોવાની આશંકા

પોલીસે પકડેલા તોફાનીઓમાં નેપાળના નાગરિકો પણ સામેલ
(એજન્સી)લેહ, નેપાળની ઘટના પછીના તોફાનોને જેન-જીના નામે ચડાવી દેવાની નવી જ મોડેસ ઓપરેન્ડી શરૂ થઇ છે. જેન-જી કંઇ મૂરખ નથી. દેશના નિર્દોષ યુવાનોને હાથા બનાવવામાં આવી રહ્યા છે. વાંગચુગે લોકોને ઉશ્કેર્યા હોવાનું સ્પષ્ટ મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આ તોફાનમાં નેપાળનો પણ હાથ હોવાની શંકા છે. કારણ કે પકડાયેલા તોફાનીઓમાં કેટલાંક શખ્સો નેપાળના છે.
કુદરતે જ્યાં બર્ફિલું પહાડી સૌંદર્ય વેરવામાં કંઇ બાકી નથી રાખ્યું એવા લદાખમાં થયેલા હિંસક તોફાનોએ અનેક સવાલો સર્જ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, રમણીય લદાખમાં આગ ચાંપવા પાછળ કોના બદઇરાદા છે? નેપાળની ઘટનાઓ બાદ કોઇપણ દેખાવોને જનરેશન-જીના નામે ચડાવી દેવાનું શરુ થયું છે. જનરેશન-જીને અણસમજુ સમજવાની કંઇ જરૂર નથી.
એ લોકો મેચ્યોર છે અને દેશ માટે શું સારું છે અને શું ખરાબ છે એ સારી રીતે જાણે છે. લદાખમાં જે લોકોએ તોફાનો કર્યા એ જનરેશન-જી નથી પણ બદમાશ તત્ત્વો છે. લદાખની ઘટના પાછળ દેશમાં અશાંતિ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. દેશની સુરક્ષા એજન્સીઓ એ જ એન્ગલ પર તપાસ કરી રહી છે. વિરોધ પ્રદર્શનો માટે કોઇ મંજૂરી લેવામાં આવી નહોતી.
લોકો અચાનક મેદાનમાં આવી જાય એ વાત કોઇને ગળે ઉતરતી નથી. બુધવારે થયેલા તોફાનોમાં ચારના મોત થયા છે. અસંખ્ય લોકો ઘાયલ થયા છે. ઇજા પામનારાઓમાં ચાલીસ પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. આગજનીની અનેક ઘટનાઓ બની. કેટલાંક લોકોની દાનત લદાખમાં નેપાળવાળી કરવાની હતી પણ સારી વાત એ છે કે, તોફાનો કંટ્રોલમાં આવી ગયા.
આમીર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં આમીર ખાને જેના ચરિત્ર પરથી રોલ ભજવ્યો હતો એ લદાખના ક્લાયમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ઇમેજ પહેલેથી સારી રહી છે. પર્યાવરણ અને શિક્ષણની વાતો બરાબર છે પણ છેલ્લા થોડા સમયથી સોનમ વાંગચુકે જે રીતે પોલિટિકલ ઇશ્યૂઝ ઊભા કર્યા છે તેની સામે સવાલો પેદા થયા છે. સોનમ વાંગચુક લદાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે પંદર દિવસથી ઉપવાસ આંદોલન કરતા હતા.
તોફાનીઓએ આ ઘટનાનો મોકો ઝડપી લીધો. તોફાનીઓને ઉશ્કેરવામાં તેમનો કેટલા હાથ હતો એ તપાસનો વિષય છે. તોફાનો થયા એટલે તેમણે આંદોલન સંકેલી લીધું. તેમને એ વાત સમજાઇ ગઇ હતી કે, જો કંઇ ન થવાનું થયું તો એ મારા નામે ચડશે. આંદોલન ખતમ કરવાની સાથે તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી.
સાથોસાથ એમ પણ કહ્યું કે, શાંતિપૂર્ણ આંદોલનનો પ્રતિસાદ ન મળ્યો એટલે યુવાનોમાં હતાશા ફેલાઇ અને એ લોકો તોફાને ચડ્યા. આ વાત વિવાદાસ્પદ છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
વાણી સ્વાતંત્ર્યનો અધિકાર અને વિરોધ પ્રદર્શન કરવાની છૂટ આપણા બંધારણના પાયાના સિદ્ધાંત છે. એનો મતલબ જરાયે એવો નથી કે, તમે તોફાન કરો અને દેશને નુકશાન પહોંચાડો. આંદોલન માટે આપણે ત્યાં પહેલેથી ગાંધી ચીંધ્યા માર્ગની વાત થાય છે. શાંત અને અહિંસક વિરોધ જ સાચો માર્ગ છે. કેટલાંક લોકો જનરેશન-જીના નામે લોકોને ગાંધી ચીંધ્યો માર્ગ ભુલાવાવની કોશિષ કરી રહ્યા છે.