વર્ક વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા ચીટરે પડાવી લીધા

સિકંદર લોઢા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ -ખોટી લાલચ આપી રૂ.૮૮.૫૫ લાખ તથા પાસપોર્ટ લઈ લીધાનો આક્ષેપ
૩૨ લોકોએ પાણપુર પાટીયા સ્થિત સિકંદર લોઢાની ઓફીસે આવી જોતાં ઓફીસ બંધ હતી.
હિંમતનગર, વર્ક વિઝા અપાવવાના બહાને અનેક નોકરી વાંચ્છુઓના પાસપોર્ટ તથા લાખો રૂપિયા લીધા બાદ વિવિધ દેશોમાં નોકરી કરવા નહી મોકલી સિકંદર લોઢા, પૂત્ર તથા ઓફીસમાં કામ કરતા એક કમર્ચારીએ મળી ત્રણ જણાએ એક વર્ષ અગાઉ ગુજરાત, રાજસ્થાન સહીતના અન્ય રાજ્યોમાં રહેતા નોકરી વાંચ્છુઓનો સંપર્ક કરી
તેમને હિંમતનગર બોલાવી વર્ક વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ થોડા દિવસ અગાઉ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે ફરીયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે વધુ એક ત્રીજી ફરીયાદ બુધવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે.
જેમાં લોઢા આણી મંડળીએ અંદાજે ૩૨ જણા પાસેથી અંદાજે રૂ. ૮૮.૫૦ લાખ તથા પાસપોર્ટ લઈ લીધા બાદ વર્ક વિઝા ન અપાવીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં અદ્યતન ઓફીસ બનાવી સિકંદર સલીમભાઈ લોઢા, સમન સિકંદર લોઢા તથા હસીબ અબરારભાઈ લોઢાએ ભેગા મળીને ગત તા. ૨૧-૧૦-૨૦૨૪ થી ૨૮-૦૨-૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન ગુજરાત સહિત રાજસ્થાનમાં રહેતા નોકરી વાંચ્છુઓને જુદી-જુદી સ્કીમો બતાવી વિદેશના વિઝા અપાવવાની લાલચ આપી હતી.
એટલુ જ નહી પણ કેટલાકને લકઝમબર્ગ તથા અન્ય દેશોમાં મોકલવા માટે રૂ. ૪ લાખથી ૮ લાખ સુધીની રકમ રોકડમાં તથા ઓનલાઈન ખાતામાં લઈ લીધા બાદ ઝડપથી વર્ક વિઝા મળી જશે તેમ કહી તબક્કાવાર ૩૨ જણાને ગુમરાહ કરી પાસપોર્ટ પણ લઈ લીધા હતા.
લાંબા સમય સુધી આ ૩૨ જણાને કોઈ વર્ક વિઝા ન મળતા તેમણે અવારનવાર મોબાઈલથી તથા હિંમતનગર આવી સિકંદર લોઢાનો સંપર્ક કર્યો હતો. પરંતુ ખોટા વાયદાથી કંટાળીને બે દિવસ અગાઉ ૩૨ લોકોએ પાણપુર પાટીયા સ્થિત સિકંદર લોઢાની ઓફીસે આવી જોતાં ઓફીસ બંધ હતી.
ત્યારબાદ આ ૩૨ જણાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસે તેમની રજૂઆતો સાંભળ્યા બાદ બુધવારે સિકંદર લોઢા વિરૂધ્ધ ત્રીજી ફરીયાદ દાખલ કરી હતી.
ત્યારબાદ સૈયદમોહમદ સાહીલ અબ્દુલવાહીદએ ૩૨ જણા વતી ફરીયાદ નોંધાવતા આ મામલે રચાયેલ એસઆઈટીની ટીમે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ સિકંદર લોઢા આણી મંડળીના અંદાજે પાંચ જણાને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી પકડી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ સિકંદર લોઢાના રીમાન્ડ દરમ્યાન કેટલીક વિગતોને આધારે એસઆઈટીની ટીમે આ મામલે મુંબઈના આસીફ પઠાણ સાથે કનેકશન હોવાનું ખુલતા પોલીસે રૂ. ૫.૭૮ લાખ રીકવર કર્યા છે. એટલુ જ નહી પણ મુનીરલોઢાએ નોકરી વાંચ્છુઓ પાસેથી લીધેલી રકમની કોઈ વિગત જાહેર કરી નથી. સાથોસાથ સિકંદર લોઢાએ ફ્રોડ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.