રૂ.૫,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન માટે દરેક વખતે ગ્રાહકની મંજૂરી તથા ઓટીપી જરૂરી

મુંબઇ, ઓનલાઇન ળોડના કેસોમાં સતત વધારા વચ્ચે આગામી મહિનાથી ઓનલાઇન ડિજિટલ પેમેન્ટમાં મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ઓનલાઇન નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે ગુરુવારે નવા નિયમો જાહેર કર્યા હતા.
આ નવા નિયમોની પ્રત્યક્ષ અસર ગ્રાહકો તથા વેપારીઓ બંને પર પડશે, ખાસ કરીને એવા લોકો જે ઓટીટી પ્લેટફોર્મ, મ્યુઝિક સ્ટ્રીમિંગ સહિતના ઓનલાઇન સબ્સક્રિપ્શન કે એપ આધારિત સેવાઓનો ઉપયોગ કરે છે.
હવેથી દરેક વખતે ઓનલાઇન રિકરિંગ પેમેન્ટના ૨૪ કલાક પૂર્વે બેન્કોએ ગ્રાહકોને નોટિફિકેશન મોકલવું પડશે. આ નોટિફિકેશનમાં ટ્રાન્ઝેક્શનની રકમ, તારીખ અને જે કંપનીને નાણાં ચૂકવવાના છે તેની વિગતો હશે.
ગ્રાહકે આ નોટિફિકેશનમાં નાણાં ચૂકવવાની મંજૂરી આપવાની રહેશે. જો ગ્રાહક મંજૂરી નહીં આપે તો નાણાંની ચૂકવણી નહીં થાય. અત્યાર સુધી એક વખત ઓનલાઇન સબ્સક્રિપ્શન લીધા બાદ દર મહિને નાણાં બેન્કમાંથી કપાઈ જતા હતા પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ દરેક વખતે ગ્રાહકે મંજૂરી આપવાની રહેશે.
આરબીઆઈએ જાહેર કરેલી નવી ગાઈડલાઈન મુજબ ૧ એપ્રિલ ૨૦૨૬થી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા કરાતા તમામ રિકરિંગ ટ્રાન્ઝેક્શનમાં પ્રતિ માસ અથવા વર્ષ માટે નાણાંની ચૂકવણીમાં વધુ સુરક્ષાની જરૂર રહેશે.
ગ્રાહકની મંજૂરી વગર હવે ઓટો પેમેન્ટ નહીં થઈ શકે. ગ્રાહકો માટે આ નિયમો નાણાંની વધુ સુરક્ષા પુરી પાડનારા સાબિત થશે. અત્યાર સુધી કોઈ એપ કે સેવા માટે એક વખત મંજૂરી આપ્યા બાદ આપોઆપ નાણાંની ચુકવણી થતી હતી જ્યારે હવે દરેક વખતે ગ્રાહકની મંજૂરી જરૂરી રહેશે.
આરબીઆઈના નોટિફિકેશન મુજબ રૂ.૫,૦૦૦ સુધીના ટ્રાન્ઝેક્શન માટે ઓટીપીની જરૂર નહીં રહે પરંતુ ગ્રાહકને નોટિફિકેશન મોકલવામાં આવશે. જ્યારે રૂ.૫,૦૦૦થી વધુના તમામ નાણાકીય વ્યવહારો માટે દરેક વખતે ગ્રાહકની મંજૂરી સાથે વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) જરૂરી રહેશે.
ડિજિટલ ઈન્ડિયા માટે આ સકારાત્મક પગલું હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું.નવા નિયમોને લાગુ કરવાનો બેન્ક તથા ઓનલાઇન વેપારીઓ માટે એક મોટો પડકાર સાબિત થશે. કારણ કે તેમણે પોતાની સિસ્ટમને અપડેટ કરવી પડશે જેથી ગ્રાહકને યોગ્ય સમયે મેસેજ દ્વારા સુચના મોકલી શકાય અને તેમની મંજૂરી મેળવી શકાય. જો કોઈ બેન્ક કે કંપની આ નિયમોનું પાલન નહીં કરે તો આરબીઆઈ તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી શકે છે.SS1MS