Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની ત્રીજી બેઠકનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં તા. 25.09.2025 ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની ત્રીજી બેઠકનું મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું .

બેઠકના પ્રારંભમાં મંડળ રેલ પ્રબંધક  શ્રી વેદ પ્રકાશે તમામ સભ્યોનું અભિવાદન કર્યું અને પોત-પોતાના ક્ષેત્ર સાથે સંબંધિત સૂચનો આમંત્રિત કર્યા. આ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ અને યોગ્ય કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો.

સમિતિના સચિવ તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નૂ ત્યાગીએ તમામ હાજર સભ્યોનું સ્વાગત કર્યું. તેમણે અમદાવાદ મંડળમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસાત્મક યોજનાઓની માહિતી આપી. તેમણે જણાવ્યું કે મુસાફરોની સુવિધાઓ સુધારવી તથા તેમના અનુભવને વધુ સારો બનાવવો  મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે તમામ જરૂરી પ્રયાસો સતત ચાલી રહ્યા છે અને આગામી સમયમાં મંડળના વિવિધ સ્ટેશનો પર વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

શ્રી ત્યાગીએ પ્રેઝન્ટેશન દ્વારા મંડળની મુખ્ય સિદ્ધિઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે અમદાવાદ, સાબરમતી અને ભુજ સ્ટેશનોનું મોટા પાયે પુનર્વિકાસ કાર્ય પ્રગતિ પર છે, જ્યારે અન્ય 15 રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ “અમૃત સ્ટેશન યોજના” અંતર્ગત કરવામાં આવી રહ્યો છે.

સામાખ્યાલી  સ્ટેશનનો પુનર્વિકાસ પૂર્ણ થઈ ગયો છે, જેનું લોકાર્પણ મે 2025 માં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું હતું. આ તમામ કામો પૂર્ણ થયા પછી મુસાફરોને વધુ સુવિધાઓ મળશે. સાથે જ તેમણે જણાવ્યું કે ગેજ પરિવર્તન અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોમાં પણ ગતિ આવી છે.

આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતાના ક્ષેત્રની રેલ સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવી યોજનાઓ વહેલી તકે પૂર્ણ કરવા તથા મંડળના સ્ટેશનો પર વધુ સારી મુસાફર સુવિધાઓ આપવા માટે સૂચનો આપ્યા.

આ બેઠકમાં સર્વશ્રી રાકેશકુમાર જૈન, પારસમલ નાહટા, જગદીશગિરી ગોસ્વામી, હિંગોરભાઈ રબારી, વિષ્ણુકાંત નાયક, ભગવાનદાસ પટેલ, જિતેન્દ્રકુમાર લેઉવા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ પંડ્યા, કિશોર ઠાકુર, મુકેશકુમાર ઠાકર, રમેશભાઈ સંગાણી, અરવિંદભાઈ નાયક તથા આર.પી. શર્મા અને મંડળના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા અને ચર્ચામાં યોગદાન આપ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.