રખિયાલમાં ૫૦ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બે પેડલર ઝડપાયા

અમદાવાદ, હાઇબ્રીડ ગાંજાનું હબ બની રહેલા અમદાવાદમાં આ દૂષણ અટકાવવા પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે જ એસઓજી ઇન્સ્પેક્ટર વી. એચ. જોષીની ટીમે રખિયાલ પન્ના એસ્ટેટમાંથી બે પેડલરને રૂ. ૫૦ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા છે જ્યારે તેમના સપ્લાયર સહદેવની શોધ ચાલુ છે.
થાઇલેન્ડ અને મલેશિયાથી આવતા હાઇબ્રીડ ગાંજાના પેડલરોનું નેટવર્ક આખા શહેરમાં થઇ ગયું છે, જે તોડવા માટે તપાસ ચાલી રહી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સંલગ્ન એસઓજીના રાહુલ ત્રિપાઠી અને બી. સી. સોલંકી દ્વારા શહેરમાંથી ડ્રગ્સ અને ગાંજાનું દૂષણ અટકાવવા માટે ખાસ કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે જ ઇન્સ્પેક્ટર વી. એચ. જોષીની ટીમને બાતમી મળી હતી કે નિકોલના બે યુવાન પોતાની પાસે હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લઇને ફરી રહ્યા છે અને રખિયાલ ખાતેના પન્ના એસ્ટેટ ખાતે તેઓ આ હાઇબ્રીડ ગાંજાના વેચાણ માટે આવવાના છે.
ઇન્સ્પેક્ટર જોષીએ સિનિયર ઓફિસરોને જાણ કરી પોતાની ટીમ અને પંચો સાથે પન્ના એસ્ટેટમાં વોચ ગોઠવી હતી. બાતમીવાળા બે યુવાન પન્ના એસ્ટેટમાં જેવા દાખલ થયા તેવા જ પોલીસે તેમને રોકીને પૂછપરછ કરતાં તેમના નામ પ્રતીક અને રવિ હોવાનું જાણી શકાયું હતું.
પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી ઇલેક્ટ્રિક વજનકાંટા સહિત જુદા જુદા પેકિંગમાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. લગભગ ૫૦૦ ગ્રામ ગાંજો પોલીસે કબજે લીધો છે, જેની કિંમત ૫૦ લાખ થાય છે.
પ્રાથમિક પૂછપરછમાં તેઓ આ ગાંજો કોને આપવા માટે આવ્યા હતા તે જાણવા પોલીસે પ્રયાસ કર્યાે હતો, જોકે તેની વિગતો મળી નથી. બીજી તરફ આ યુવાનોએ ગાંજાનો જથ્થો અમદાવાદના સપ્લાયર સહદેવે આપ્યો હોવાનું જણાવ્યું હતું.SS1MS