પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. ૪૩ કરોડના કરાર કર્યા

ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ૩.૩ અબજ ડોલર, પાટણની નિકાસ ૨૨૯.૫૭ મિલિયન ડોલર-પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
Patan, વાઇબ્રન્ટ ગુજરાત રીજિયનલ કોન્ફરન્સ – નોર્થ ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શન હોલ ખાતે પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૪૩ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે ૫૦૦ થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૬ ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટ ની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવો જોઈએ. વર્ષ 2003માં જે પ્રયોગ કર્યો હતો તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જી.એસ.ટી.માળખામાં ધરખમ ફેરફાર કરી અર્થતંત્રને એક મજબૂત દિશા આપવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મ નિર્ભર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આજે દેશમાં નિકાસમાં અગ્રેસર છે. સિંગલ વિન્ડો સિસ્ટમ ગુજરાતે લોન્ચ કરી છે.લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં ગુજરાત અગ્રેસર છે.ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ ગુજરાતે ઊભી કરી છે.બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુડ ગવર્નરન્સના લીધે વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે. છેલ્લાં 20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત રાજય આપી રહ્યુ છે.
ગુજરાતની કુલ નિકાસમાં ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ૩.૩ અબજ ડોલર જ્યારે પાટણની નિકાસ ૨૨૯.૫૭ મિલિયન ડોલર છે. પાટણના પટોળાને જીવંત રાખવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો મહત્વનો ફાળો છે. સ્થાનિક હુન્નર કલા કારીગરી ને પ્રોત્સાહન આપી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ આપવાનું કામ સરકાર કરી રહી છે. ગામડાં સમૃદ્ધ, ગામડાનો કારીગર સમૃદ્ધ બને એ દિશામાં પોલિસી મેકિંગ થયું છે. ઈકો સિસ્ટમ ડેવલપ કરવાની અને માઇન્ડ ટુ માર્કેટ દ્વારા આપણી સ્થાનિક ઓળખ વૈશ્વિક ઓળખ બને એ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.
ભારતનું ભાગ્ય આપણે જાતે ઘડીએ એમ જણાવી મંત્રી શ્રી એ પ્રધાનમંત્રી શ્રીના “મેક ઇન ઈન્ડિયા” સૂત્રને સાર્થક કરવા, નવા ભારતના નવા યુગનો અધ્યાય લખવા, તન મન અને ધનથી આત્મ નિર્ભર ભારત બનાવવા અપીલ કરી હતી.
ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી અને જિલ્લા પ્રભારી સચિવ શ્રી મમતા વર્મા એ વાયબ્રન્ટ સમિટ ના ૨૦ વર્ષના લેખા જોખા સાથે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. જે તે રિજન ને પોતાની ઓળખ બતાવવાની તક મળે એ માટે વાયબ્રન્ટ સમિટને લોકલ લેવલ પર લઈ જવાનું પ્રથમ વાર આયોજન થયું છે ત્યારે આ સમિટ ના લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં વિકસિત ભારતના કોન્સેપ્ટ પર આધારિત વાઇબ્રન્ટ સમિટ મેહસાણા ખાતે યોજાઈ રહી છે ત્યારે એમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ અપ કરનાર નવ યુવાનોને આમત્રંત આપ્યું હતું. સ્થાનિક સ્ટ્રેન્થ ને ગ્લોબલ સ્ટ્રેન્થ સાથે જોડવાનો અદ્ભુત સંયોગ ઉભો થયો છે ત્યારે આ પ્લેટફોર્મના ઉપયોગ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના ઉદ્યોગજગત તથા સ્થાનિક સાહસીકોને મહત્તમ લાભ મળે તેવુ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન Export Challenges તથા GI-Tag અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ સમિતિ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં તથા જીલ્લાના આર્થિક વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે.
વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પાટણ સમીટમાં એક્ઝિબીશન માટે વિવિધ સ્ટોલ મુકાયા હતા. જેમાં MSME, ગાર્મેટ, હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ, ટેરાકોટા, પેચ વર્ક, પટોળા, દેવડા, ઓર્ગેનિટ ફુડ, મિલેટ્સ ફુડ, મુન્દ્રા લોન, આયુર્વેદિક દવાઓ, પ્રાકૃતિક ખેતી પ્રોડક્ટ, ગૌ આધારિત પ્રોડક્ટ, પી.એમ.વિશ્વકર્મા રજીસ્ટ્રેશન વગેરે સ્ટોલ્સની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, ધારસભ્યશ્રી લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી પટેલ, કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ, જીલ્લાના મોટા ઉદ્યોગગૃહો, એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારો, ઔદ્યોગિક એસોસિયેશનના હોદ્દેદારો, બિલ્ડીંગ એસોસિયેશન, સખીમંડળ, સહકારી મંડળીઓ તથા એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ સક્રિયપણે જોડાયા હતા.