ગોધરા કિન્નર સમાજે સમાધી માટે જમીન ફાળવવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં કિન્નર સમાજ માટે સમાધી માટે જમીન ફાળવવાની માગ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ગોધરા શહેરના ડોડપા ફળિયામાં રહેતા તથા કિન્નર સમાજના ગાદીપતિ નાયક સંગીતાદે હીરાદે નાયકએ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી કે ગોધરા શહેરની હદમાં કિન્નર સમાજ માટે અંતિમ સંસ્કાર માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ નથી. આ કારણે કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે સમાજને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નાયક સંગીતાદે હીરાદે નાયકે જણાવ્યું હતું કે કિન્નર સમાજને પણ અન્ય સમાજની જેમ સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવાની સુવિધા મળવી જોઈએ. તેમણે તંત્રને નમ્ર અપીલ કરી છે કે ગોધરા શહેરની સીમામાં યોગ્ય જગ્યા ફાળવી કિન્નર સમાજને આ હિતલક્ષી સુવિધા આપવામાં આવે.કિન્નર સમાજે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની આ માનવીય માંગને સમજશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે, જેથી કિન્નર સમાજના સભ્યોને ગૌરવપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની સુવિધા મળી રહે.