ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડના કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો

ઈન્ફ્લુએન્સર દ્વારા અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ
ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડ કરનાર આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાયું
(એજન્સી)ગોધરા, ગોધરામાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં ૧૪૪ આરોપીઓ સામે નામજોગ અને ૪૦૦ માણસના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી ૩૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી પૈકીના એક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, પોલીસે તોડફોડ મામલે રિયાઝ અબ્બાસ ગીતેલી નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી રિયાઝ ગીતેલી અને અન્ય લોકોએ પોલીસ ચોકી નંબર ૪ પર તોડફોડ કરી હતી. પોલીસ ચોકીમાં થયેલા હોબાળા અને તોડફોડની ઘટના કઈ રીતે બની તેના તથ્યોની પુષ્ટિ કરવા માટે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
આ મામલાની ગંભીરતાને જોતાં પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ બનાવી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પોલીસે ૩૦ આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. આ ઈન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે, જેથી શાંતિ જળવાઈ રહે.
ઈન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે પોલીસે તેને આ જ કારણસર બોલાવ્યો છે. આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં એક સામજના લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું હતું.
પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસ ચોકી નંબર ૪ પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં ભારે તોડફોડ કરી હતી અને ખુરશીઓ સહિતનો અન્ય સામાન બહાર રસ્તા પર અને ગટરમાં ફેંકી દીધો હતો.
મહત્ત્વનું છે કે ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હોબાળા અને પોલીસ ચોકીમાં તોડફોડના કેસમાં ગઈ કાલે ગુરુવારે એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ની આ ઘટનાને ઝાકીર ઝભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું ગણાવવામાં આવ્યું છે, જેના સમર્થનમાં હવે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર હોબાળો મચાવ્યા બાદ અને તોડફોડની ઘટના થયા પછી ઝાકીર ઝભા ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો. અહીં તે સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં ચાલતો જોવા મળ્યો હતો. અગાઉ પોલીસ મથક પર તે જે રીતે લંગડાતો આવ્યો હતો, તેનાથી વિપરિત હોટલમાં તેના પગે કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોય તે રીતે તે સામાન્ય રીતે ચાલી રહ્યો હતો.