યુએસના એચ-૧બી વિઝાની ફીમાં જંગી વધારો અટકાવવા ભારતે પ્રયાસ શરૂ કર્યા

નવી દિલ્હી, ટ્રમ્પ સરકારે ભારતને દબાણમાં લાવવા માટે એચ-૧બી વિઝાની એપ્લિકેશન ફી વધારીને એક લાખ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. યુએસ સરકારની આ તજવીજ સામે ભારત દ્વારા ટ્રમ્પ સરકાર તથા અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે વાટાઘાટો ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકા અને બારત બંને દેશમાં આર્થિક વૃદ્ધિ તથા સંપત્તિ સર્જનમાં કુશળ ટેલેન્ટની મોબિલિટીનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વીકલી મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટીની નોટિસ તેમણે વાંચી છે, જેમાં વિઝા ફી વધારવાનો નિયમ લાગુ કરવાની તજવીજ છે.
ઉદ્યોગો સહિતના સ્ટેક હોલ્ડર્સ પાસે આ બાબતે અભિપ્રાય આપવા એક મહિનાનો સમય છે. ભારત અને અમેરિકામાં ટેકનોલોજી ડેવલપમેન્ટ, ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને સંપત્તિ સર્જનમાં સ્કિલ્ડ ટેલેન્ટના એક્સચેન્જે મોટો ફાળો આપ્યો છે.
જયસ્વાલે વધુમાં કહ્યુ હતું કે, ભારત સરકાર આ બાબતે ઉદ્યોગો સહિત તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સ સાથે વાટાઘાટો કરી રહી છે અને આ કવાયતની ઉચિત નોંધ લેવાશે તેવી અપેક્ષા છે. દરમિયાન અમેરિકાએ નવી એચ-૧બી વિઝા અરજીઓ સંદર્ભે સ્પષ્ટતાઓ જાહેર કરી છે.
જ્યારે ભારત દ્વારા વિઝા ફીમાં વધારાની અસરનો અભ્યાસ શરૂ કર્યાે છે. યુએસ સ્થિત ભારતીય એમ્બેસી અને ટ્રમ્પ સરકાર વચ્ચે વાતચીત સંદર્ભે માહિતી આપતા જયસ્વાલે કહ્યું હતું કે, હજુ સ્થિતિ ઉતાર-ચડાવ ધરાવે છે અને વિવિધ સ્તર પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
દ્વિપક્ષી સંબંધોમાં કડવાશ ઊભી થયા બાદ અમેરિકાએ ભારતીય સામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરી હતી અને ત્યારબાદ એચ-૧બી વિઝાની ફી વધારવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયની સીધી અસર ભારતીયો પર પડવાની છે.
ભારતીયો મોટી સંખ્યામાં એચ-૧બી વિઝા પર યુએસ જતા હોવાથી ટ્રમ્પે ફી વધારવાનો નિર્ણય લીધો છે. એચ-૧બી વિઝા પ્રોગ્રામ અંતર્ગત કંપનીઓ દ્વારા કુશળ વિદેશી કર્મચારીઓની ભરતી કરાય છે અને તેમને અમેરિકા લવાય છે. અગાઉ એચ-૧બી વિઝા અરજીની ફી ૨,૦૦૦થી ૫,૦૦૦ ડોલર હતી, જેને વધારીને એક લાખ ડોલર કરવાનો ટ્રમ્પે નિર્ણય લીધો છે.SS1MS