Western Times News

Gujarati News

ભુજમાં પોક્સોના ગુનામાં ૭૦ વર્ષીય વૃદ્ધને ૨૦ વર્ષની કેદ

ભુજ, પોક્સોના એક ગંભીર ગુનામાં ભુજની કોર્ટે ઝડપી કાર્યવાહી કરીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કોર્ટે ૭૦ વર્ષીય વૃદ્ધ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.

આ બનાવ ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં ભુજ નજીકના મિરઝાપર ગામના છપરી વાંઢમાં બન્યો હતો. મિરઝાપરના રહેવાસી ઇશાક અલીભાઈ કુંભાર, જે પાપેતાની દુકાન ચલાવે છે, તેની પાસે રાશન લેવા આવેલી એક સગીર પીડિતાને આરોપી પાછળ પોતાના મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક બદકામ કરવાનો પ્રયાસ કર્યાે હતો.

ડરી ગયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં તેનો ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપી વૃદ્ધે બંને ભાઈ-બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવ્યા હતા. ત્યારબાદ બંનેએ પરિવારને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.ભુજની પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો.

કોર્ટે ૧૫ દસ્તાવેજી પુરાવાઓ અને ૬ સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લઈને આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. પોક્સો કોર્ટે પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ આ વૃદ્ધ આરોપીને ૨૦ વર્ષની જેલ અને ૫૫ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

આ સાથે, કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને ભોગ બનનાર સગીર પીડિતાને ૪ લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કર્યાે છે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોને પીડિતાના શિક્ષણ અને જીવન પુનઃ સ્થાપિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવાનો આદેશ પણ કર્યાે છે. આ કેસમાં સરકાર તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો રજૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.