શહેરના પીજીને પણ પથિક એપ્લિકેશન સાથે સાંકળી લેવાની કવાયત શરૂ

અમદાવાદ , અમદાવાદમાં ચાલતા પેઇંગ ગેસ્ટ સર્વિસ (પીજી) માટે પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું એનઓસી ફરજિયાત છે. હવે જે પીજી પાસે પોલીસ વેરિફિકેશન કે સોસાયટીનું એનઓસી ન હોય એવા સંખ્યાબંધ પીજીને નોટિસ ફટકારવામાં આવી છે.
વર્તમાન સમયમાં દેશ વિરોધી તત્ત્વો કે અસામાન્ય લોકો કોઈ પીજી કે ડોર્મેટરીમાં રોકાણ કરીને રેકી કે અન્ય કોઈ કાંડ કરે તેવી શક્યતા જોતાં પોલીસ દ્વારા શહેરના પીજી અને ડોર્મેટરીને પણ પથિક સોફ્ટવેર સાથે કનેક્ટ કરી દેવાની કવાયત ચાલી રહી છે. આ માટે સિનિયર ઓફિસરો અને પીજી એસોસિએશનના હોદ્દેદારો દ્વારા થોડા મહિનાઓ પહેલા મીટિંગ પણ થઈ હતી.
આ બાબતે બન્ને પક્ષે પોતાની રજૂઆતો કરવામાં આવી છે. તેને પગલે આગામી દિવસોમાં ઠોસ નિર્ણય લેવાશે.થોડા દિવસો પહેલાં જ અમદાવાદની એક હોટલમાં નાઇજિરિયાના શંકાસ્પદ લોકો રોકાયા હતા. તેઓ ગાઝા પટ્ટીમાં થઈ રહેલા હુમલામાં જે લોકોને સમસ્યા થઈ છે, તેમના માટે ડોનેશન ઉઘરાવી રહ્યા હતા.
આવા તત્ત્વો અમદાવાદ શહેર કે અન્ય વિસ્તારોમાં રોકાયા હોય અને કોઈ ષડયંત્ર કરી રહ્યા હોત તો તેમના પર વોચ રાખી શકાય તે માટે ગુજરાત પોલીસે પથિક નામના સોફ્ટવેર સાથે તમામ હોટલ અને ગેસ્ટહાઉસને જોડી દીધા છે. તેના પગલે જે મહેમાન હોટલ-ગેસ્ટહાઉસમાં રોકાય અને તેની વિગતો ભરે તથા ફોટો આધાર કાર્ડ જમા કરાવે તે તરત જ પથિક એપ્લિકેશન પર અપલોડ થઈ જાય છે.
જેના પગલે પોલીસ તેમના પર વોચ રાખી શકે.ચોક્કસ વિસ્તાર કે પ્રદેશમાંથી આવેલા અથવા તો શંકાસ્પદ લોકોની મૂવમેન્ટ પર પોલીસ નજર રાખીને તેમને ગુનાખોરી કરતા અટકાવતા પણ હોય છે. ઘણા કિસ્સામાં તો આવા લોકોને તેઓ કોઈ કાંડ કરે તે પહેલા જ પોલીસે ઊઠાવી લીધા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. હવે ચાલાક ગુનેગારો પીજી કે ડોર્મેટરીમાં રોકાણ કરીને પોતાનું કામ કરતા હોય છે.
તેથી જ સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા પીજી અને ડોર્મેટરીને પણ પથિક સોફ્ટવેર સાથે કનેક્ટ કરી દેવાની કવાયત કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ઓફિસરો તથા પીજી સંગઠનના હોદ્દેદારો વચ્ચે મીટિંગ્સ પણ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારથી પીજીને પથિક સોફ્ટવેર સાથે કનેક્ટ કરવામાં આવે છે.SS1MS