એક વખતની હાર્દિકની વિશ્વાસુ સાથીદાર રેશમા આજે હાર્દિકની કટ્ટર દુશ્મન કેમ ?

પાટીદાર આંદોલનની રેશમા પટેલ હાથ ધોઈને હાર્દિક પટેલ પાછળ પડી છે?
ગુજરાતમાં આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે હાર્દિક પટેલે અભૂતપૂર્વ કહી શકાય તેવું પાટીદાર આંદોલન કર્યું હતું. એ વખતે અમદાવાદમાં જી.આઈ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પાટીદાર રેલી યોજાઇ હતી.એ વખતે રેશમા પટેલ નામની પાટીદાર કન્યા હાર્દિક પટેલ સાથે ખભેખભા મીલાવીને એ લડતમાં સામેલ થઈ હતી.
એ પછી હાર્દિક પટેલ રાજકારણ તરફ વળ્યો અને વાયા કોંગ્રેસ ભાજપમાં પ્રવેશ્યોને ધારાસભ્યપદ મેળવ્યું. હવે તેનુ લક્ષ્યાંક મંત્રી બનવાનું છે. આ કારણે તેના અને રેશમાના માર્ગ ફંટાયા.
એક વખતની હાર્દિકની પ્રખર ટેકેદાર અને વિશ્વાસુ સાથીદાર રેશમા આજે હાર્દિકની કટ્ટર દુશ્મન હોય એમ હાર્દિક વિરુદ્ધ બેફામ નિવેદનો કરે છે. તકરાર ‘સોની ઝઘડો’ છે કે રેશમાને કશું ન મળ્યાની હતાશાનું પરીણામ છે? એ નક્કી થવાનું બાકી છે હોં!
‘ટાયગર અભી જિન્દા હૈ’ – પ્રદીપસિંહ વાઘેલા ખરીદ-વેચણ સંઘમાં બિનહરીફ ચૂંટાયા
ભાજપના પ્રદેશ મહામંત્રીપદેથી એકાએક અને અકળ કારણોસર રાજીનામું આપી દેનાર પ્રદીપસિંહ વાઘેલા જાણે હાંસિયામાં ધકેલાઈ ગયા હોય એવું લાગતું હતું.
પરંતુ ‘ટાઈગર જિદા હૈ’ની અદાથી તેઓ તાજેતરમાં ‘સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ’માં સતત ત્રીજી વખત ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જે સૂચવે છે કે પક્ષના પ્રદેશ માળખામાંથી ફારેગ થયા બાદ પણ તેઓએ પોતાના તાલુકા પરનું વર્ચસ્વ હજુ યથાવત જાળવી રાખ્યું છે.
ભોગવેલા મોટા પદ પછી પણ એક નાનકડી જગ્યાએ પગ ટકાવી રાખવો એ રાજકીય પરિપક્વતા છે અને એ રાજકીય પરિપક્વતા પ્રદીપસિંહ વાઘેલામાં છે એવું આ ઘટના પરથી કળાય છે.
સચિવાલયની ઉજ્જવળ પરંપરા હવે ક્ષીણ થતી જાય છે?
ગુજરાત સરકારની સચિવાલય કેડર તેની કેટલીક સુંદર,ઉચ્ચ પરંપરાઓ માટે જાણીતી છે.આ પૈકીની એક પરંપરા એવી છે કે સચિવાલયના કોઈ પણ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી (સચિવથી લઈને સેવક સુધીના સર્વે) વયનિવૃત થાય તો જે તે વિભાગની મહેકમ શાખા દ્વારા તેનો લાગણીભર્યો અને ભાવાત્મક વિદાય સમારંભ યોજાતો.
જેમા વિભાગની દરેક નાનીમોટી વ્યક્તિ હાજર રહેતી.વિદાય થતી વ્યક્તિને નાળિયેર, સાકરનો પડો અને નાનુંમોટું સ્મૃતિ ચિન્હ અપાતું.હાલ એવુ સાંભળવા મળ્યું છે કે આ પરંપરા હવે ક્ષીણ થવા લાગી છે.હવે આવા વિદાય સમારોહ યોજાવાના બંધ થઈ રહ્યા છે! આ જો સાચું હોય તો આ બાબત સચિવાલય કેડરની એકતામાં લૂણો લગાડવાની ઘટના છે એવું સચિવાલય કેડરના સર્વે અધિકારીઓ/કર્મચારીઓએ સમજવું રહ્યું!
સરકારના સામાન્ય વહીવટ વિભાગના સરસ કામ પર ગૃહ વિભાગે પાણી ફેરવી દીધું
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૨૩.૦૫.૨૦૨૫ની(એટલે કે આજથી ચાર મહિના પહેલાંની)એક અધિસૂચનાથી ૬૫ જેટલા સેકશન અધિકારીઓને ઉપસચિવ તરીકે બઢતી આપવામાં આવી હતી. જે પૈકી ત્રણ ઉપસચિવને ગૃહ વિભાગ ખાતે ફાળવવામાં આવેલ.
હવે આજે સ્થિતિ એવી છે કે ગૃહ વિભાગ ખાતે ફાળવવામાં આવેલ ૩ ઉપસચિવોને કોઈ કામગીરી જ ફાળવવામાં નથી આવી.અગાઉથી ગૃહ વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા ઉપસચિવ પાસેથી જ ત્રણ ઉપસચિવની કામગીરી લેવામાં આવે છે.આ મહિલા ઉપસચિવ પાસે હાલ કુલ ૧૦ જેટલી શાખાઓની કામગીરી છે.
પરંતુ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ ઉપસચિવોને ચાર માસ જેટલો સમય થયો હોવા છતાં ગૃહ વિભાગ તરફથી કોઇ પણ પ્રકારની કામગીરી સોંપવામાં આવી નથી.
બઢતી મેળવનાર ત્રણેય ઉપસચિવો કશું કામ કર્યા વગર છેલ્લા ચાર મહિનાથી બેઠા બેઠા આરામ કરવાનો પગાર લે છે.એક ઉપસચિવનો માસિક પગાર રૂ.૧૦૦,૦૦૦/- લાખ ગણીએ તો સરકારે ગૃહ વિભાગના ૩ ઉપસચિવો પાસેથી કશું કામ લીધાં વગર (મફતમાં)રૂ.૧૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બાર લાખ પૂરા) ચૂકવી દીધાં છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ તરફ ધ્યાન દેશે?
પોલીસ ખાતાનો માનવીય અભિગમ અને ઉમદા કાર્યવાહી
પોલીસનું સાચું કામ જ લોકોને મદદરૂપ થવાનું હોય છે. ઇંગ્લેન્ડના લંડનની (બોબી તરીકે ઓળખાતી) પોલીસ તેની મદદ વૃતિ માટે ખ્યાતનામ છે. પોલીસનુ આ સ્વરૂપ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે. પોલીસનુ એ સ્વરૂપ જોવા મળે એવો એક કિસ્સો હમણાં પ્રકાશમાં આવ્યો છે.
બન્યુ એવું કે મહીસાગર જિલ્લાની પોલીસ નાઈટ રાઉન્ડમાં લુણાવાડાથી સંતરામપુર તરફ જઈ રહી હતી ત્યારે પોલીસને લુણાવાડા થી આશરે ૧૦ કિલોમીટર દૂર રામ પટેલના મુવાડા પાસે નિર્જન હાઈવે રોડ ઉપર રોડની સાઈડમાં એક કાર બંધ હાલતમાં પડેલી જોતા શંકા આધારે તે કાર પાસે જઈ ચેક કરતા તેમાં એક દંપતી દોઢ વર્ષના એક નાના બાળક સાથે ગભરાયેલ હાલતમાં બેઠેલા મળેલ.
જેથી તેઓને સાંત્વના આપી આ સૂમસામ જગ્યાએ આટલી મોડી રાતના કેમ બેઠેલ છો તે બાબતે પૂછતા તે ઈસમે પોતાનું નામ રાજુભાઈ બકાભાઈ મકવાણા તેમની પત્ની અને દીકરા સાથે હોવાનું જણાવેલ. તેઓ અમદાવાદ ખાતે આવેલ ર્નસિંગ કોલેજમાં જરૂરી કામથી ગયેલ અને બાદ પરત પોતાના ગામ ભંડોઈ જતા હતા
તે વખતે અહીં પોતાની કારમાં પેટ્રોલ ખૂટી જતા બંધ પડી ગયેલ અને પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયેલ હોઈ અને પોતાની પાસે બિલકુલ રોકડ રકમ નહી હોવાથી હવે પેટ્રોલ કેવી રીતે પૂરાવવું અને પત્ની અને નાના બાળકને મૂકીને કેવી રીતે પેટ્રોલ લેવા જવું તેની ચિંતામાં બીજું કઈ નહીં સૂઝતા પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસી રહેલ હોવાનું જણાવેલ.
સ્થિતિની ગંભીરતા સમજી એ.એસ.આઈ. મહેન્દ્રભાઈએ પરિવાર સાથે રાખી આ જગ્યાએથી આશરે ૧૦ કિલોમીટર દૂર ગોધર ગામ ખાતે આવેલ પેટ્રોલ પંપ પરથી સરકારી ગાડીથી પેટ્રોલ લાવી આપી કારમાં નાખી અને કાર ચાલુ કરી આપી તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના કર્યા હતા.