મહિષાસુર, શુભ, નિશુભ ઇત્યાદિ રાક્ષસોને ડામવા માટે દૈવી શક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ હતી

નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાનું મહાન પર્વ
નવરાત્રિનાં નવ શબ્દ દુર્ગામાતાની સંખ્યા પણ નવ છે તેની ઉપાસનાનું પર્વનાં નવ દિવસ નવરાત્રિ તરીકે ઓળખાય છે. વરસમાં કુલ ચાર નવરાત્રી આવે છે. તેમાં મુખ્ય ચૈત્ર નવરાત્રિના નવ દિવસ અને આસો માસનાં પ્રારંભથી આસો નવરાત્રિ ગણાય છે.
દુર્ગા માતાનાં નવ સ્વરૂપમાં (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચંદ્ર ઘંટા (૪) કુષ્માંણ્ડી (૫) સ્કંદમાતા (૬) કાત્યાયની (૭) કાલરાત્રિ (૮) મહાગૌરી (૯) સિદ્ધિરાત્રી. આ દિવસોમાં દિવસે સાધના, દુર્ગાપાઠ અને રાત્રે ભજન-કીર્તન-રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે અને ‘શક્તિની ઉપાસના’નું પર્વ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ શક્તિ ત્રણ રૂપમાં વ્યાપક છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી.
વસંતાદિ છ ઋતુમાં આ ત્રણે સ્વરૂપની પૂજા થાય છે. નવ-નવ દિવસ ચૈત્રી નવરાત્રી અને શારદી એટલે આસો મહિનાની આ નવરાત્રીનું વિભાજન કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. આનું વિશદ્ વર્ણન ઋગવેદનાં વાગા ભૂષણીયમાં આપેલું છે. આ ઉપરાંત માર્કેણ્ડેય દેવી ભાગવતમાં પણ જોવા મળે છે. દેવી કવચમાં દુર્ગાના નવ સ્વરૂપોનું વર્ણન આપેલુ છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન આ શક્તિથી જ થાય છે.
પુરુષમાં રહેલ પુરૂસત્વની શક્તિ અને સ્ત્રીમાં રહેલ શક્તિનાં સંયોજનથી સમગ્ર સંસારનું સંચાલન થાય છે. સમાજમાં સદવિચારો ટકાવવા માટે શક્તિની ઉપાસના આવશ્યક છે. અનાદિકાળથી સત્ વિચારો ઉપર, દૈવી વિચારો ઉપર આસુરી વૃત્તીઓ હુમલાઓ કરતી આવી છે.
મહિષાસુર, શુભ, નિશુભ ઇત્યાદિ રાક્ષસોને ડામવા માટે અને દૈવી સંપત્તિની પુન:સ્થાપના કરવા માટે દૈવી શક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ હતી અને સાત્વિક માણસોને અભય કર્યા હતા અને કરી રહી છે. વ્યવહારમાં જુદા જુદા પ્રકારે જે કાંઈ શક્તિ વપરાય છે, તે બધી શક્તિ પરમેશ્વરની જ છે.
ઉપભોગ કરતી વખતની શક્તિ માં ભવાની છે. પુરુષાર્થ માટે વપરાતી શક્તિ લક્ષ્મી તરીકેની જાણીતી છે. કોપાયમાન થતી વખતની શક્તિ દુર્ગાશક્તિ છે અને પ્રલય વખતની શક્તિ કાલી શક્તિ ગણાય છે. શક્તિની ઉપાસનાથી લૌકિક વૈભવ ઉપરાંત જ્ઞાાનની પણ પ્રાપ્તિ થાય છે. આથી જ માં ની ઉપાસનાનાં પર્વનું ખાસ મહત્વ છે.
નવરાત્રિના નવ દિવસે નવદુર્ગાના સ્વરૂપો:-
(૧) શૈલપુત્રી: માં દુર્ગાનું આ પહેલું સ્વરૂપ છે. હિમાલયમાં જન્મ લેવાથી તેને શૈલપુત્રી કહે છે. તેનું વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ ધારણ કર્યું છે. તેની શક્તિ અનંત અને અપાર છે. નવરાત્રિના પહેલા દિવસે આ માતાની ઉપાસના કરવામાં આવે છે.
(૨) બ્રહ્મચારિણી: જમણાં હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેની ઉપાસનાથી વિજય, ત્યાગ, વૈરાગ્ય તથા સંયમની વૃદ્ધિ થાય છે.
(૩) ચંદ્રઘંટા: ત્રીજે દિવસે આનું પૂજન થાય છે. તેનું વાહન સિંહ છે. આને દશભુજાઓ છે. મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. આની ઉપાસનાથી વિપત્તિઓ નાશ પામે છે અને નિર્ભય તથા પરાક્રમી બનાવે છે. જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
(૪) કુષ્માંડા: આ જ માતાજી સૃષ્ટિની આદ્યશક્તિ સ્વરૂપ છે. તેનું વાહન પણ સિંહ છે. આની ભક્તિથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. તેને આઠભૂજાઓ છે. તેના હાથમાં કમંડળ, ચક્ર, ગદા, અમૃતકળશ, કમળનું ફુલ, સિદ્ધિ પ્રદાન કરનારી માળા છે.
(૫) સ્કન્દમાતા: આને ચાર ભુજાઓ છે. તેના પૂજનથી સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ થાય છે. પાંચમે દિવસે આની પૂજા થાય છે.
(૬) કાત્યાયની: આ માંનું છઠ્ઠું સ્વરૂપ છે. મહર્ષિ કત્યાયને સર્વપ્રથમ તેની ઉપાસના કરી હોવાથી તેનું નામ કાત્યાયની પડ્યું હતું. તેનું વાહન પણ સિંહ છે. અને તેને ચાર ભુજાઓ છે. તેની પૂજાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(૭) કાળરાત્રિ: આ માંનું સાતમું, પ્રચલિત સ્વરૂપ છે. તેનું સ્વરૂપ ભયાનક છે. તે ભક્તોને ડરાવતી નથી પરંતુ દુષ્ટોનો, પાપીઓનો વિનાશ કરે છે. તેનું સ્વરૂપ કાળા રંગનું-વિખારાયેલ વાળો, ગળામાં ભવ્ય માળાઓ વાળું છે. ડાબી બાજુના હાથમાં લોખંડની કટાર છે. ચેન હાથમાં તલવાર છે. ત્રિનેત્રધારી છે. દાનવ, દૈત્યો, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભાગી જાય છે. દૈત્ય રાક્ષસો સામેના ક્રોધથી તેની જીભ પણ લાલ થઈ જાય છે. તેનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન શંકર નીચે પડી ગયા અને તેના પર પગ મુકવાથી તેનો ક્રોધ અને ક્યાયમાન સ્વરૂપ શાંત થયું હતું.
(૮) મહાગૌરી: મા દુર્ગાનું આ આઠમું સ્વરૂપ છે. તેના વસ્ત્રો અને આભુષણ શ્વેત છે. વૃષભ ઉપર સવાર થયેલી માં મહાગૌરી અત્યંત શાંત પાપનાશને કરનારી છે. તેની કઠોર તપશ્વર્યાથી તેનો રંગ કાળો થઈ ગયો હતો પરંતુ શિવજીએ તેમના ઉપર પવિત્ર જળ છાંટયું હતું. જેથી તે ગૌરવર્ણવાળા અને ક્રાંતિવાન બની ગયા હતા. જેથી તેને મહાગૌરી કહે છે. તેની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
(૯) સિદ્ધિદાત્રિ: આ માં દુર્ગાનું નવમું સ્વરૂપ છે. તેને ચાર ભુજાઓ છે. તેનું વાહન સિંહ છે. તેની સાધના કરવાથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માં દુર્ગાના આ નવ સ્વરૂપની આસ્થાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે.