વ્રજભૂમિનું કૃષ્ણ પિચ્છ: શ્રી માતાજી ગૌશાળા

રમણ રેતીમાં રેતીથી સ્નાન કરતા કૃષ્ણમય ભક્તો હોય કે પછી રાધારાનીના પગલાંઓની જ્યાં રંગોળી રચાઈ છે તે બરસાના ધામના જનજનમાંથી ઉઠતો એ પ્રતિઘોષ ‘રાધે રાધે’ આજે પણ કૃષ્ણને એટલો જ મગ્ન, જીવંત અને તાજો કરી દેતા અનુભવવાની મજા જ કંઈક ઓર છે.
સને 2007થી માત્ર બે ચાર ગાયોથી શરૂ થયેલું આ ગૌ અભિયાન હવે ભારતનું કદાચ સૌથી મોટું ગૌરક્ષાનું સામુદ્રીક મહા અભિયાન છે. શ્રી માતાજી ગૌશાળા બરસાના સ્થિત 65000 ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને પુજન કરતું એક આંદોલન બની ગયું છે.
(તખુભાઈ સાંડસુર દ્વારા) ‘રાધે રાધે રાધે રાધે, બરસાને વાલે રાધે’ કૃષ્ણ ભક્તિનો આ નાદ તમને વ્રજભૂમિની રાસલીલાના એ સ્પંદનોની આજે પણ ઝાંખી કરાવે છે. હા, આ નાદને સાંભળવા સ્પર્શવા કે પછી અનુભવવા માટે કૃષ્ણ સામર્થ્ય,સામિપ્ય અને તેની સમર્પણ ભાવનામાં ક્યાંય કાણું ન હોવું જોઈએ તે તેની પ્રાથમિકતા છે.
રસ તરબોળ થઈને ઉતરતો કૃષ્ણનો રાધા તરફનો અનંત, અવિભાજ્ય અને અશબ્દભર્યો પ્રેમ અહીંના કણકણમાં આજે પણ શૃંગારિત થઈને ગુંજારવ કરી રહ્યો છે તેનો અનુભવ હું તાજેતરમાં આ યાત્રા દરમિયાન કરી શક્યો છું.
રમણ રેતીમાં રેતીથી સ્નાન કરતા કૃષ્ણમય ભક્તો હોય કે પછી રાધારાનીના પગલાંઓની જ્યાં રંગોળી રચાઈ છે તે બરસાના ધામના જનજનમાંથી ઉઠતો એ પ્રતિઘોષ ‘રાધે રાધે’ આજે પણ કૃષ્ણને એટલો જ મગ્ન, જીવંત અને તાજો કરી દેતા અનુભવવાની મજા જ કંઈક ઓર છે. મથુરાથી 40 કિલોમીટરના અંતરે બરસાનામાં જ્યારે તમે પહોંચો છો ત્યારે રાધાજીના નૃત્યથી પુલકીત વૃક્ષો અને ટેકરીઓની વચ્ચે એક સ્થાન હવે પોતાનું તામ્રપત્રિય નામ અંકિત કરી ગયું છે તેને આપણે શ્રી માતાજી ગૌશાળા તરીકે ઓળખી શકીએ.
શ્રી માતાજી ગૌશાળા બરસાના સ્થિત 65000 ગાયોના સંરક્ષણ,સંવર્ધન અને પુજન કરતું એક આંદોલન બની ગયું છે. સને 2007થી માત્ર બે ચાર ગાયોથી શરૂ થયેલું આ ગૌ અભિયાન હવે ભારતનું કદાચ સૌથી મોટું ગૌરક્ષાનું સામુદ્રીક મહા અભિયાન છે. ભારતના કોઈ પણ ખૂણામાં કદાચ આટલા મોટા અને વિશાળ પાયા પર ગૌસેવા થતી હોય તેવું મારા ધ્યાનમાં કે જાણમાં નથી.
અહીં ખૂબ મોટાં મોટાં ગૌ નિવાસ માટેના પતરાથી શેડ ઊભા કરવામાં આવ્યા છે અને દરેક ગાયને પૂરતા પ્રમાણમાં બેસવા- ઊઠવા માટેની જગ્યા પ્રાપ્ત થાય તે માટેનું આયોજન અવ્વલ છે. દરેક શેડમાંથી ગાયોના ધણ અલગ અલગ જગ્યા ઉપર તેના રખરખાવ કે પછી દેખરેખ માટે તૈયાર કરાયેલા લોકો કરે છે. લીલો ચારો અને સૂકો ચારો બધાનું યોગ્ય રીતે માનવ બળ માળખાગત રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગોઠવાયેલું છે. સરકારશ્રીએ આ ગૌશાળાને 200 એકર જમીન આપેલી છે.
આ જમીનમાં ગાયોને ચરવા માટેની વ્યવસ્થા અને તેમના નિવાસ અને સંવર્ધન માટે ચિકિત્સાલયની પણ વ્યવસ્થા છે. ગૌશાળામાં લગભગ 500 થી વધારે લોકોને તેની સાર સંભાળ માટે રોકવામાં આવ્યા છે. વાહનો અને ઘાસ ઉગાડવાથી લઈને કાપવા સુધીના વિવિધ પ્રકારના સાધનો માટે તેનો પોતાનો એક પેટ્રોલ પંપ પણ અંદર જ છે. અદાણી સાથે કરાર કરીને બે એકરમાં બાયોગેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે.જે ગૌશાળાની ઉજૉ પુરી કરે છે.
ઉંપરાત વધું ગેસ અદાણીની કંપની સંચાલિત કરી રહી છે. વાર્ષિક આ ગૌશાળાનો ખર્ચ લગભગ અઢી કરોડ આસપાસ આવે છે. છતાં પણ ગૌશાળાના સંચાલક અને સંત શ્રી રમેશ બાબાજી કોઈ પાસે ક્યારેય દાન માટે હાથ લાંબો કરતા નથી. આ ગૌશાળા માટે મોટાં પ્રમાણમાં મુંબઈ, દિલ્હી અને બીજા મહાનગરોમાંથી દાન પ્રાપ્ત થઈ રહ્યું છે.
આ ગૌશાળા અંગે હજુ પણ વધુ વાત થઈ શકે પરંતુ મૂળભૂત રીતે આ ગૌશાળાનું સંચાલન જેમના દ્વારા થઈ રહ્યું છે એ છે રમેશ બાબાજી. તેઓનો જન્મ અલ્હાબાદના શુક્લ પરિવારમાં 1938 માં થયો હતો. પોતે એક જ ભાઈ હતા તો પણ નાનપણથી શાળા શિક્ષણ પૂરું કર્યા પછી તેને હંમેશા યમુના મૈયા કે જે વૃંદાવન અને વ્રજધામમાંથી કૃષ્ણના પગલાંઓને સ્પર્શીને આવતી હતી તેના તરફ જોયાં કરે છે પછી તેના તરફ અનન્ય પ્રેમ અને લગાવ જાગે છે.
પોતે પોતાના માતાજીની અપાર લાગણીઓ અને સંસારિક જીવન જીવવાની ખૂબ મનોરથો હોવા છતાં તે વિરક્ત જીવનના પંથે આગળ વધી જાય છે. રમેશ બાબાજી અલ્હાબાદથી નીકળીને બરસાના ધામમાં આવી ચડે છે. અહીં તેમને અનેક મહાપુરુષો અને સંતોનો સમાગમ થતા તે ધીમે ધીમે સંસ્કૃત અને સંગીતના અભ્યાસ તરફ આગળ વધીને કૃષ્ણભક્તિના ભરપૂર એવા પ્રવાહમાં તણાવા લાગે છે.
તેમણે પોતાના પ્રદેશ કે જેને પોતે કર્મભૂમિ બનાવી છે તેના જનજજન સુધી અને તેની કલ્યાણ ભાવનાને સાથે રાખીને જીવવાનો હંમેશ પ્રયત્ન કર્યો છે. 10000 જેટલા લોકોને 84 કોસ પરિક્રમા દર વર્ષે કરે અને તેમાં કોઈ પાસેથી કશું માગે નહીં તો પણ આ પરિક્રમા પૂરી થાય. આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો આજે પણ બાબાનું મન કદાચ શરીરથી તેઓ હવે કૃષ છે પરંતુ તો પણ સતત તે પરિક્રમા માર્ગની સાથે મનથી મજબૂત રીતે જોડાયેલા છે. સંસ્કૃતનુ પાંડિત્ય અને અનેક ગ્રંથોના અભ્યાસ પછી તે કૃષ્ણ અને કૃષ્ણથી ગૌ સેવા તરફ સમર્પિત થાય છે.
હજારો લોકોને સાથે રાખીને યમુનાની પવિત્રતાનો નારો દિલ્હી અને પ્રશાસનને આપે છે. આ આંદોલનમાં પોતે ધરણા પર ઉતરીને પર્યાવરણ અને પાણી માટે ઝઝૂમતા રહી ન માત્ર સંત તરીકે પણ એક સમાજ સેવક કે ઉદ્ધારક તરીકે ઉત્તર ભારતના સમગ્ર પ્રદેશમાં પોતાની અમીટ છાપ ઊભી કરે છે.
અને તેથી જ કદાચ તેમને સમાજસેવા,ગૌ સેવા અર્થે ભારત સરકારે સને 2019 માં પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરીને બાબાની સેવા સાધનાનું પૂજન કર્યુ છે. ગાય અને ગો ઉત્પાદનના અનેકવિધ પ્રકલ્પો સાથે હવે આ ગૌશાળા આત્મ નિર્ભરતા તરફ ગતિ કરી રહી છે. પરંતુ તેમ છતાં હજુ પણ હિન્દુત્વના પ્રખર અને પ્રબુદ્ધ એવા શ્રેષ્ઠિઓ માટે મીટ માંડવાનું આ સ્થાન ગૌશાળાને ગણી શકાય!
પુ.મોરારિબાપુની સંવેદના સનાતન હિંદુ ધર્મ સાથે અને તેના કાર્યોને વેગવંત બનાવનાર સાથે હંમેશ જોડાયેલી રહી છે. ત્રણ ચાર વર્ષ પહેલા બાપુ આ સ્થાનની મુલાકાતે પધારે છે અને ગોધુલીના સમયના દશ્યો બાપુના હ્દયને પુલકિત કરે છે અને બાપુ આ સેવા યજ્ઞના સમિયાણાને સજાવવા એક રામકથા અર્પણ કરે છે પણ તેની વાત હવે પછીના લેખમાં.