રાજ્યપાલના હસ્તે BAPSના સ્વામી ભદ્રેશદાસજીને પ્રતિષ્ઠિત ‘સરસ્વતી સન્માન 2024’ એનાયત

શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં રાજ્યપાલની શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
34મો સરસ્વતી સમ્માન સમારોહ સ્વામી ભદ્રેશદાસ મહારાજ દ્વારા રચિત ‘સ્વામીનારાયણ સિદ્ધાંત સુધા‘ પુસ્તક માટે અર્પણ કરાયો
માનવજીવનમાં સભ્યતા અને સંસ્કૃતિનું અત્યંત મહત્વ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
સરસ્વતી સન્માન એક પવિત્ર જવાબદારી: સ્વામી ભદ્રેશદાસજી મહારાજ
અમદાવાદ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ‘સરસ્વતી સન્માન સમારોહ 2024’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે 34મો સરસ્વતી સમ્માન સમારોહ સ્વામી ભદ્રેશદાસ મહારાજને તેમના પુસ્તક ‘સ્વામી નારાયણ સિદ્ધાંત સુધા’ પુસ્તક માટે અર્પણ કરાયો હતો. વર્ષ 2022 માં પ્રકાશિત ‘સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા’ સંસ્કૃત ગ્રંથ માટે કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું હતું.
સંસ્કૃતિ અને સભ્યતાની વાત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિ એ આંતરિક પરિબળ છે, જ્યારે સભ્યતાએ બાહ્ય પરિબળ છે, ભૌતિક ચીજવસ્તુઓ જેમકે રેલગાડી, હવાઈ-જહાજ, મોટરકાર વિકાસના સંસાધનો આ તમામ સભ્યતાના સૂચક છે જે માનવીના જીવનને સરળ બનાવે છે.
પરંતુ સંસ્કૃતિ એ ભારતના મહાન ઋષિમુનિઓએ પહાડોમાં, જંગલોમાં એકાગ્ર બેસીને, કઠોર પરિશ્રમ અને ઉપાસના દ્વારા ગ્રંથો અને વેદોની રચના થકી ભારતને આપેલી અમૂલ્ય ધરોહર છે. આત્મઉન્નતી, સ્થાયીશાંતિ, અહિંસા પરમો ધર્મ, અપરિગ્રહ, અસ્તેય, સત્યવચન અને બ્રહ્મચર્ય જેવી બાબતો સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંત છે. એટલે કે સંસ્કૃતિ એ શરીરનો આત્મા છે અને સભ્યતા એ શરીર છે. જેમ શરીર આત્મા વિના રહી શકતું નથી, તેમ માનવીના જીવનમાં સંસ્કૃતિનું અત્યંત મહત્વ છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વસુધૈવ કુટુંબકમની વાત કરતા જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ એ વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવે છે, દુનિયાના ભેદોને દૂર કરવાનું કાર્ય આપણી સંસ્કૃતિ એ કર્યું છે. દરેક વ્યક્તિએ અન્ય વ્યક્તિના દુઃખ અને હૃદયના ભાવને અનુભવ કરી તેના જીવનમાં રહેલ દુઃખને સુખમાં પરિવર્તિત કરવાનું કાર્ય કરવું જોઈએ. જે આપણા વેદો, ઉપનિષદો, ગ્રંથો, સંસ્કૃતિ આ તમામ માનવતાના ભાવ શીખવે છે, જેના થકી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ સાહિત્યકાર સ્વામી ભદ્રેશદાસજીના પુસ્તક વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તક માં આપણા ઋષિમુનિઓના ચિંતન, વેદો, ભગવદ્ગીતા, રામાયણ, દર્શનશાસ્ત્ર તમામની ઝાંખી અનુભવ કરી શકાય છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વામી ભદ્રેશદાસજી મહારાજને સરસ્વતી સન્માન પુરસ્કૃત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સ્વામી ભદ્રેશદાસજીએ આ સન્માન પોતાના ગુરૂવર્યો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણે સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, આ સન્માન ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું અને ભારતની દાર્શનિક પરંપરાનું છે. આ સન્માન એક પવિત્ર જવાબદારી છે તેમ તેમણે કહ્યું હતું.
કે.કે.બીરલા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. સુરેશ ઋતુપર્ણએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમનો ચિત્તાર રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ અર્જુન કુમાર સીકરી, મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગદાણી, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરક શાહ, અબુધાબી હિન્દુ મંદિર બી.એ.પી.એસના અધ્યક્ષ શ્રી સ્વામી બ્રહ્મવિહારી મહારાજ, ગાંધીનગર અક્ષરધામ મંદિરના અધ્યક્ષ સ્વામી આનંદસ્વરૂપ દાસજી, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્હીના વાઇસ ચાંસેલર શ્રી મુરલી મનોહર પાઠક તેમજ દસથી વધારે યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, પ્રોફેસરો તથા BAPS પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.