Western Times News

Gujarati News

ગિફ્ટ સિટી 500 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય નાણાંકીય તકો ખોલશે

–          કાર્યક્રમે ગ્લોબલ બેંકિંગ અને ફાઇનાન્સના ભવિષ્યને આકાર આપવામાં ગિફ્ટ સિટીની ભૂમિકા દર્શાવી

–          ગિફ્ટ ઇન્ટરનેશનલ બેંકિંગ ફોરમ (જીઆઈબીએફ) 2025 ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ લીડરશિપ માટે ભારતના લોન્ચપેડ તરીકે સ્થાન આપે છે

–          જીઆઈબીએફ 2025 એ ઉત્કૃષ્ટતાની પણ ઉજવણી કરી જેમાં બેંક ઓફ ધ યરનો એવોર્ડ એચએસબીસી, ઇનોવેટિવ બેંક ઓફ ધ યરનો બેંક ઓફ બરોડાને અને ડિજિટલ બેંક ઓફ ધ યરનો એવોર્ડ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને આપવામાં આવ્યો

અમદાવાદ, ગિફ્ટ ઇન્ટરનેશનલ બેંકિંગ ફોરમ (જીઆઈબીએફ) 2025ની બીજી એડિશનનું ગિફ્ટ સિટી ક્લબ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં સિનિયર રેગ્યુલેટર્સ, ગ્લોબલ બેંકના સીઈઓ અને વિચારકો એ ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતા કે કેવી રીતે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) ભારતની વૈશ્વિક નાણાંકીય મહત્વાકાંક્ષાઓને આગળ લઈ જઈ શકે.

માત્ર આમંત્રિતો માટેના જ આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો જેમાં દેશભરના 150થી વધુ સિનિયર લીડર્સ અને 50થી વધુ બેંકોએ ભાગ લીધો હતો. “Powering India’s Global Financial Leadership” થીમ સાથે ફોરમમાં આખા દિવસના એજન્ડા હેઠળ મુખ્ય બાબતો, પ્રેઝન્ટેશન્સ અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ગિફ્ટ સિટી કેવી રીતે હોલસેલ બેંકિંગ, રિટેલ વેલ્થ અને ટ્રેઝરી સહિતના બેંકિંગના વિવિધ પાસાંમાં નવીનતા લાવવા માટે સ્થિત છે જ્યારે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે ભારતના એકીકૃત વિઝનને ઓપ આપી રહી છે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક પ્રવાહોને ખુલ્લા મૂકતી તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં બેંક ક્રેડિટનો વિશ્વના જીડીપીમાં 86 ટકા હિસ્સો, 34 ટ્રિલિયન ડોલરની ક્રોસ-બોર્ડર ધિરાણની ક્ષમતા, 860 અબજ ડોલરના રેમિટન્સ તથા ગિફ્ટ સિટી દ્વારા બોન્ડ્સ, ફોરેક્સ, ડેરિવેટિવ્ઝ અને રોકાણોમાં ટ્રેઝરી કામગીરી પૈકીનો 15-25 ટકા હિસ્સો મેળવવાની શક્યતાનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીને 500 અબજ યુએસ ડોલરના મલ્ટી એસેટ ફાઇનાન્શિયલ હબ તરીકે સ્થાન આપવું તે ડિલિવરી હબથી વ્યૂહાત્મક વૈશ્વિક નાણાંકીય કેન્દ્ર તરફ ભારતની પ્રગતિ પર ભાર મૂકે છે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ બેંકિંગ અને ફાઇનાન્શિયલ પાવરહાઉસ તરીકે ઉભરી આવવાની ભારતની મહત્વાકાંક્ષાના મોખરે છે. 34 આઈએફએસસી બેંકિંગ યુનિટ્સ (આઈબીયુ) પહેલેથી જ કાર્યરત થઈ ચૂક્યા છે ત્યારે અમે એક એવી વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ ઊભી થતી જોઈ રહ્યા છીએ જે સરળ રીતે ભારતને વિશ્વભરના નાણાંકીય બજારો સાથે જોડી રહી છે.

આ આઈબીયુ ક્રોસ-બોર્ડર ફાઇનાન્સિંગ, ફોરેન કરન્સી લેન્ડિંગ, ટ્રેડ ફાઇનાન્સ, ટ્રેઝરી ઓપરેશન્સ અને વેલ્થ મેનેજમેન્ટમાં નવીનતા લાવી રહ્યા છે. આ એવા ક્ષેત્રો છે જે ભારતની ગ્રોથ સ્ટોરી અને ગ્લોબલ ઇન્ટિગ્રેશન માટે ખૂબ મહત્વના છે.

શ્રી કૌલે વધુમાં ભાર મૂક્યો હતો કે ભારત ડિલિવરી હબથી હવે ગ્લોબલ ફાઇનાન્સના વ્યૂહાત્મક કેન્દ્રમાં ફેરવાઈ રહ્યો છે ત્યારે ગિફ્ટ સિટી આ પરિવર્તનનો આધાર બની રહી છે. તે નવીનતા, મૂડી પ્રવાહ તથા વિશ્વ સ્તરે નાણાંકીય નેતૃત્વ માટેનું લોન્ચપેડ બની રહી છે.

આ ઉપરાંત, EY ઈન્ડિયાના પાર્ટનર અને નેશનલ લીડર – ફાઇનાન્શિયલ સર્વિસીસ, પ્રતીક શાહે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી એ વૈશ્વિક મૂડીને દેશની નજીક લાવવા અને ભારતની મૂડીને વૈશ્વિક બજારોમાં લઈ જવા માટેનું ભારતનું એક બોલ્ડ પ્લેટફોર્મ છે.

આ એક વિશાળ તક છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા, અદ્વિતીય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટાપાયે પ્રતિભાઓ જેવી ભારતની અનન્ય શક્તિઓ દ્વારા પ્રેરિત છે. સુવ્યવસ્થિત નિયમન, મજબૂત પ્રવાહિતા અને કોર્પોરેટ સ્વીકૃતિના સાથે ગિફ્ટ રોકાણકારો માટે પસંદગીનું વૈશ્વિક કેન્દ્ર અને ભારતની વિકસિત ભારત 2047 યાત્રાનું મુખ્ય ચાલકબળ બનવા માટે તૈયાર છે.

સેશનની મુખ્ય બાબતોઃ

  • વ્યૂહાત્મક એજન્ડા: ઓપનિંગ સેશનમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ભારત કેવી રીતે નિયમનકારી દૂરંદેશી, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક જોડાણોનો ઉપયોગ કરીને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની શકે છે.
  • હોલસેલ અને ટ્રાન્ઝેક્શન બેંકિંગ: લીડર્સે વિદેશી કોર્પોરેટ બેંકિંગ, વિદેશી ચલણના ધિરાણ અને ટ્રેડ ફાઇનાન્સમાં ગિફ્ટની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી જેથી ભારતને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પુલ તરીકે સ્થાન આપી શકાય.
  • રિટેલ વેલ્થ: પેનલે એ બાબત પર ભાર મૂક્યો હતો કે કેવી રીતે ગિફ્ટ આઈએફએસસી દ્વારા વધતી જતી ભારતીય આકાંક્ષાઓને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ, ઇનબાઉન્ડ/આઉટબાઉન્ડ ફ્લો અને નેક્સ્ટ-જેન વેલ્થ ઇનોવેશન સાથે કેવી રીતે જોડી શકાય અને કાર્યક્ષમતા સુધારવા માટે KYC પર કાયદાકીય જરૂરિયાતને પણ સામેલ કરી શકાય.
  • રિયલ ટાઇમમાં ટ્રેઝરી: ચર્ચાઓથી એ બાબત બહાર આવી હતી કે ભારત વૈશ્વિક સ્તરે મલ્ટી-કરન્સી પૂલિંગ, ગહન FX માર્કેટ્સ અને ઓટોમેટેડ ટ્રેઝરી સેન્ટર્સને કેવી રીતે સશક્ત બનાવી શકે છે.
  • સીઈઓ રાઉન્ડટેબલ: ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય સીઈઓએ વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે ગિફ્ટને સ્કેલ કરવા, નિયમનને સંલગ્ન રહેવા અને નવીનતાને વેગ આપવા માટે એક સહિયારું વિઝન બનાવ્યું હતું.

જીઆઈબીએફ 2025 એ ઉત્કૃષ્ટતાની પણ ઉજવણી કરી જેમાં બેંક ઓફ ધ યરનો એવોર્ડ એચએસબીસી, ઇનોવેટિવ બેંક ઓફ ધ યરનો બેંક ઓફ બરોડાને અને ડિજિટલ બેંક ઓફ ધ યરનો એવોર્ડ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સમાપન થયું ત્યારે બધી જ ચર્ચાઓમાં એક સંદેશ ગુંજ્યો હતો કે ગિફ્ટ સિટી નવીનતા, સમાવેશ અને નાણાંકીય નેતૃત્વ માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે અને જીઆઈબીએફ 2025 આ સફરમાં એક નિર્ણાયક પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.