બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વક્તૃત્વ-નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

‘રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના ૧૩માં સ્થાપના દિવસની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરાઇ
Ahmedabad, ‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના ૧૩માં સ્થાપના દિવસની તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યભરના તમામ બાળ સંભાળ ગૃહોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસ, જાગૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આ કાર્યક્રમ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાના ભાગરૂપે રાજ્યના બાળ સંભાળ ગૃહોના કિચન, ક્લાસરૂમ અને ડોરમેટરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વધે તે માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોગના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આયોગના અધ્યક્ષ શ્રીમતી ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા વક્તૃત્વ-નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ ઉપરાંત નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે અને બાળકોમાં લોકસંસ્કૃતિ પ્રત્યેનું જોડાણ વધે તે હેતુસર ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને આયોગ દ્વારા “વિકસિત ભારતનું સંતાન” તરીકેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો, જેથી તેઓ સારા નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવવા પ્રેરિત થાય છે.
આ સ્થાપના દિવસની ઉજવણીમાં ગાંધીનગર ખાતે સચિવ શ્રી ડી.ડી. કાપડીયા, ગીર-સોમનાથ ખાતે સભ્ય શ્રીમતી અમૃતાબેન અખિયા અને મહેસાણા ખાતે સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા સ્તરે જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સંભાળ ગૃહોના અધિકારીઓ, ચાઇલ્ડ વેલફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યો તથા બાળ અધિકારો સાથે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.