અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ

નવી દિલ્હી, વર્ષ ૨૦૨૧માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ છે.
એવામાં હવે અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ પણ નહીં કરી શકે. તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસથી તાલિબાનીઓ અનેક પ્રાંતમાં ફાઈબર ઓપ્ટિક કનેક્શનના તાર કાપી રહ્યા છે. જે બાદથી ધીમે ધીમે અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું. હવે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે.
આઠથી નવ હજાર ટેલિકોમ્યુનિકેશન ટાવર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તાલિબાને કહ્યું છે કે ‘અનૈતિકતા રોકવા’ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે તાલિબાનના નવા ફરમાનના કારણે બેન્કિંગ, ટ્રેડ નેટવર્ક સહિત અનેક સેવાઓ પર માઠી અસર પડી છે.ઈન્ટરનેટ બ્લેકઆઉટની સૌથી વધુ અસર સામાન્ય લોકો અને વ્યવસાયો પર પડી છે.
પરિવારો હવે વિદેશમાં રહેતા તેમના પ્રિયજનો સાથે વાતચીત કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય કોલ સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યા છે. વ્યવસાયો કહે છે કે તેમનો તેમના વિદેશી ગ્રાહકો અને સપ્લાયર્સ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ તેમના વેપાર માટે ખતરો ઊભો કરી રહ્યું છે.રાહત અને માનવતાવાદી સંગઠનો માટે આ પરિસ્થિતિ વધુ ભયાનક છે.
અફઘાનિસ્તાન પહેલેથી જ માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે, અને બાહ્ય સહાય પહોંચાડવામાં હવે અવરોધ આવી રહ્યો છે. એનજીઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કહે છે કે જ્યાં સુધી નેટવર્ક પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી જમીન પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બનશે.SS1MS