Western Times News

Gujarati News

અરબ અને મુસ્લિમ દેશોએ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનું સ્વાગત કર્યું

વોશિંગ્ટન, ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલના લશ્કરી અભિયાનને સમાપ્ત કરવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ગાઝા સહિત સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં શાંતિ માટેની ૨૦-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી છે.

વોશિંગ્ટનના પ્રવાસે પહોંચેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાયહૂની ઉપસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી.

વ્હાઇટ હાઉસમાં આ યોજનાની જાહેરાત કરતા ટ્રમ્પે નેતન્યાહૂનો આભાર માન્યો અને દાવો કર્યાે કે તેઓ ગાઝા યુદ્ધમાં શાંતિની ખૂબ નજીક છે. ટ્રમ્પે જણાવ્યું કે આ પ્રસ્તાવ સંબંધિત દેશોની સાથે મળીને વિચાર-વિમર્શ કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને ઘણા આરબ, મુસ્લિમ તથા યુરોપીયન નેતાઓએ તેને સમર્થન આપ્યું છે. જોકે, ટ્રમ્પે પેલેસ્ટાઇની જૂથ હમાસને સ્પષ્ટ ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે હમાસના ખતરાને ખતમ કરવા ઇઝરાયેલને તેમનું સંપૂર્ણ સમર્થન છે. પરંતુ જો હમાસ શાંતિ સમજૂતીને અસ્વીકાર કરશે, તો ઇઝરાયેલને તેને ખતમ કરવાના અભિયાનમાં અમેરિકાનો પૂર્ણ સહયોગ મળશે.

આ ૨૦-સૂત્રીય યોજના અનુસાર, બંને પક્ષોની સહમતિ મળતાં જ યુદ્ધનો તાત્કાલિક અંત આવશે. હમાસે ૭૨ કલાકની અંદર તમામ બંધકોને મુક્ત કરવા પડશે, જેના પછી ઇઝરાયેલી સેનાની વાપસી યોજના અમલમાં આવશે અને યુદ્ધવિરામ લાગુ રહેશે.

બદલામાં, ઇઝરાયેલ આજીવન કેદની સજા પામેલા ૨૫૦ પેલેસ્ટાઇનીઓ અને ૭ ઓક્ટોબર ૨૦૨૩ પછી પકડાયેલા ૧૭૦૦ અન્ય કેદીઓને મુક્ત કરશે. હમાસના લડવૈયાઓએ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર થવું પડશે અને તેમને ભવિષ્યની સરકારમાં કોઈપણ ભૂમિકામાંથી દૂર કરવામાં આવશે.

જોકે, જેઓ શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ માટે સંમત થશે તેમને માફી આપવામાં આવશે. એક અસ્થાયી આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળની તૈનાતી અને ટ્રમ્પના નેતૃત્વમાં એક ટ્રાન્ઝિશનલ ઓથોરિટીની રચના પણ આ યોજનામાં સામેલ છે.

સાઉદી અરબ, જોર્ડન, સંયુક્ત અરબ અમીરાત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોએ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનું સ્વાગત કર્યું છે.

આ દેશોએ આ અંગે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કેઃ “અમે ટ્રમ્પના નેતૃત્વ અને ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના તેમના પ્રામાણિક પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ, અને શાંતિનો માર્ગ શોધવાની તેમની ક્ષમતામાં અમારો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.