મુંબઇ લોકલ ટ્રેનમાંથી ફેંકેલું નારિયેળ વાગતા યુવકનું મોત

મુંબઇ, મોત ગમે તે ક્ષણે ગમે તે રીતે આવી શકે તેનો પૂરાવો વધુ એક ઘટના બની છે. મહારાષ્ટ્રના નાઇગાંવ વિસ્તારમાં ચાલતી લોકલ ટ્રેનમાંથી એક મુસાફરે નારિયેળ ફેંકતાં તે ૩૦ વર્ષીય યુવકના માથા પર વાગ્યું હતું. જેના કારણે યુવક ઘવાયો હતો.
તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ નાઇગાંવના રહેવાસી ૩૦ વર્ષીય સંજય ભોઇર સ્ટેશનની તરફ બે-બ્રિજ તરફ ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે પાસેથી પસાર થઈ રહેલી લોકલ ટ્રેનમાંથી યાત્રીએ નારિયેળ અને પૂજાનું પાણી ખાડીની તરફ ફેંક્યું હતું.
આ દરમિયાન નારિયેળ સીધું જ સંજયના માથા પર વાગ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી અને એ ત્યાં જ પડી ગયો હતો. ઘાયલ સંજયને નજીક આવેલી નગર નિગમની સર ડી.એમ.પેટિટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની તબિયત બગડવા માંડી હતી. ત્યાર પછી સંજયને મુંબઈની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે નાઇગાંવ-ભાયંદર અને વેતરણ-વિરારના બે-બ્રિજ પર વારંવાર યાત્રીઓ પૂજા-પાઠ પછી નારિયેળ, પાણી અને મૂર્તિઓ ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ફેંકે છે. અનેક વાર આ સામાન પુલ પર ચાલી રહેલા રાહદારીઓ પર પડે છે અને દુર્ઘટના બને છે.SS1MS