૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં વી. કે. મલ્હોત્રાએ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને હરાવ્યા હતા

ભાજપના વરિષ્ઠ નેતા પાંચ વખત સાંસદ રહેલા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન
(એજન્સી)નવીદિલ્હી, વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હાત્રાનું ૩૦ સપ્ટેમ્બર, મંગળવારની સવારે નિધન થયું છે. તેઓ દિલ્હી ભાજપના પહેલા પ્રદેશ અધ્યક્ષ હતા અને દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ (લોકસભા સભ્ય) તેમજ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્્યા છે.
વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હાત્રાનું ૩૦ સપ્ટેમ્બર, મંગળવારની સવારે નિધન થયું. એઈમ્સ દિલ્હીએ પ્રેસ રિલીઝ કરીને આ સમાચારની પુષ્ટિ કરી. એઈમ્સે જણાવ્યું કે તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ૩૦ સપ્ટેમ્બરની સવારે ૯૩ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા.
વિજય કુમાર મલ્હાત્રાનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ અખંડ ભારતના લાહોર (હવે પાકિસ્તાન)માં થયો હતો. ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવ્યો અને તેમણે દિલ્હીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આગળ જતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ વિદ્યાર્થી જીવનથી જ અભ્યાસ, સાહિત્ય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા.
વિજય કુમાર મલ્હાત્રાએ રાજકારણની શરૂઆત જનસંઘથી કરી હતી. તેઓ દિલ્હી જનસંઘના અધ્યક્ષ રહ્યા અને ૧૯૮૦માં ભાજપની રચના થયા પછી પાર્ટીના પ્રથમ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બન્યા.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પીઢ નેતા, ભૂતપૂર્વ સાંસદ અને દિલ્હી ભાજપના પ્રથમ અધ્યક્ષ પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાનું ૯૩ વર્ષની વયે નિધન થતાં રાજકીય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મલ્હોત્રાના નિધન પર ગહન દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના યોગદાનને યાદ કરીને તેમના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સ્વર્ગસ્થ શ્રી વી.કે. મલ્હોત્રાના નિવાસસ્થાને ગયા હતા અને દિવંગત આત્માને પુષ્પાંજલિ અર્પણ કરીને અંતિમ વિદાય આપી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વીટ (X) પર આપી શ્રદ્ધાંજલિ:
વડાપ્રધાન મોદીએ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા શ્રી વી.કે. મલ્હોત્રાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, “શ્રી વિજય કુમાર મલ્હોત્રા જી એક ઉત્કૃષ્ટ નેતા તરીકે ઓળખાતા હતા, જેમને લોકોના મુદ્દાઓની ઊંડી સમજણ હતી. તેમણે દિલ્હીમાં આપણી પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસદમાં તેમના દરમિયાનગીરી માટે પણ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
દિલ્હી ભાજપના આધારસ્તંભ:
પ્રો. વી.કે. મલ્હોત્રા દિલ્હીના રાજકારણના એક મહાન સ્તંભ હતા. તેઓ જનસંઘના સમયથી લઈને ભાજપ સુધી સંગઠનના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવતા રહ્યા હતા. તેઓ પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા, અને ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં તેમણે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને હરાવ્યા હતા, જે તેમની કારકિર્દીનો એક મોટો સીમાચિહ્નરૂપ વિજય હતો. તેઓ શિક્ષણવિદ્ અને રમતગમત પ્રશાસક તરીકે પણ જાણીતા હતા.