કોલેજમાં શિબિર દ્વારા લાલચ આપી ધર્મ પરિવર્તનનો પ્રયાસ

આરોપીઓ દ્વારા ધાર્મિક વિધિઓ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું અને આ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયાનું પાલન થતું નહોતું.
નડિયાદ: ધર્મ પરિવર્તન મામલામાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન પોલીસના હાથે પકડાયો -નડિયાદની બાઇબલ કોલેજમાં શિબિર દ્વારા લાલચ આપી ધર્મ પરિવર્તનનો પ્રયાસ, આરોપીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ખિસ્તીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવા બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી એક આરોપીને પકડી પાડ્યો છે આ આરોપી એક સંસ્થા નો પ્રમુખ હોવાનું બહાર આવ્યું છે અને તેના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં આ પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગત પણ બહાર આવી છે
એટલું જ નહીં આ મામલામાં તપાસ દરમિયાન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવા અને સગીર બાળકીનું પિતાની સંમતિ વિના બાપ્તિસ્મા કરાવવા સહિતની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં વિદેશી નાણાકીય સહાય અને અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પ્રવૃત્તિના તાર પણ જોડાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે પોલીસ આ બાબતે ગંભીર લઈને તપાસ ચલાવી રહી છે હાલમાં આરોપીના સાત દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમ પોલીસમાં આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ પટેલ એ તા. ૦૯/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ ૪(૧), ૪(૨) મુજબ ની ફરિયાદ આપી હતી. પોલીસ ની તપાસ દરમિયાન ઘણી ગંભીર બાબતો ધ્યાનમાં આવતા પોલીસે આ ગુનામાં અધિનિયમની કલમ ૪(સી), ૫(૩) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૫૪નો ઉમેરો કર્યો હતો
નડિયાદ પશ્ચિમ પોલીસમાં આપેલી ફરિયાદમાં ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે આરોપીઓ શિબિર યોજીને લોકોને ઈસુના માર્ગે આવવા અને પ્રાર્થના કરવાથી ચમત્કાર દ્વારા જીવન સુધરી જશે અને સ્વર્ગની પ્રાપ્તિ થશે તેવી લાલચ અને પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતા હતા.આ ગુનામાં પોલીસે આરોપી સ્ટીવન ભાનુભાઇ મેકવાન ઉ.વ. ૪૦ રહે. મકાન નં.૧, એકતા પાર્ક સોસાયટી, પવનચક્કી રોડ, નડિયાદ ને પકડી પાડ્યો છે
અને તપાસ હાથ ધરતા ધર્મ પરિવર્તન બાબતના અનેક પુરાવાઓ પોલીસના હાથે લાગ્યા છે સ્ટીવન મેકવાન જે સંસ્થામાં પ્રમુખ છે તે સંસ્થા રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટની સંડોવણી પણ સામે આવી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ દ્વારા ધાર્મિક વિધિઓ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું અને આ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયાનું પાલન થતું નહોતું. ગુનાના સંબંધમાં આરોપીઓના મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબજે લઈને તેને એફ.એસ.એલ. પરીક્ષણ માટે મોકલી દેવાયા છે.
નડિયાદમાં મળેલી આ શિબિરમાં જિલ્લા અને રાજ્ય બહારના કુલ ૫૯ વ્યક્તિઓ હાજર હતા, જે પૈકી ૯ સગીર વયના હતા. આ સગીરોને હાલ બાળસંરક્ષણ ગૃહ હેઠળ મૂકવામાં આવ્યા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મળી આવેલી એક સગીર બાળકીના મોબાઇલ ફોનમાંથી જાણવા મળ્યું કે બનાવ સ્થળે બનાવેલ પાણીની કુંડીમાં આ સગીર બાળકીનું બાપ્તિસ્માની વિધિ તેના પિતાની મંજૂરી વગર કરવામાં આવેલ હતી. સગીર બાળકી અને તેના પિતા અનુસૂચિત જનજાતિના હોવાની વિગતો પણ તપાસ દરમિયાન જણાઈ છે.
આરોપી સ્ટીવન મેકવાનની તા. ૨૮/૦૯/૨૦૨૫ના રોજ અટકાયત કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તા. ૦૫/૧૦/૨૦૨૫ના બપોરે ૧૨ઃ૦૦ કલાક સુધીના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે હાલ પોલીસ આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.