ભરૂચના સૌથી ઉંચા 50 ફૂટ કરતા વધુના રાવણ દહનની તૈયારીને આખરી ઓપ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે.જ્યાં એક તરફ નવરાત્રી નું આયોજન થાય છે.તો કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે.તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલા નું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે.
ઓએનજીસી કોલોની મીની ભારતના ભિન્ન-ભિન્ન પ્રાંતના ઉત્સવ ના સમૂહ નગરી બની જતી હોય છે.ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા પ્રતિ વર્ષ ની જેમ રાવણ દહન કાર્યક્રમ માટે આગોતરું આયોજન કરી રહ્યું છે.દશેરાના ૭ દિવસ પૂર્વે રામલીલાની શરૂઆત કરવામાં આવે છે.સાથે દશેરા અનુલક્ષી ને મેળો યોજવામાં આવે છે.તો જિલ્લા માં સૌથી વધુ ઓએનજીસીના રાવણ દહન નું પણ અનેરું આકર્ષણ છે.
રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું હોય છે.અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ૪૯ વર્ષના લગાતાર આયોજન વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ૪૦ દિવસથી રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.
કારીગરો દ્વારા હાલ ૫૦ ફૂટના રાવણ ,૪૭ ફૂટના કુંભકર્ણ અને ૪૭ ફૂટના મેઘનાથના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂર જોશ માં ચાલી રહી છે.જેમાં ૧૫૦ કિલો પેપર પસ્તી,૧૩૦૦ કિલો નવા કાગળ, ૩૦૦ થી વધુ બામ્બુ વાસ, ૫૦૦ મીટર સાડી સહીત ૫૦ લિટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પૂતળા ઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું આયોજન હોય છે.પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ચાલુ વર્ષે વરસાદના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઈ શકે તે પ્રમાણે રાવણની કદાવર પૂતળાનું સર્જન કરવામાં આવ્યું છે.વધુમાં ૨ ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે વિશેષ નાસિકના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આતીશબાજીનો ભવ્ય નજારો પણ યોજવામાં આવશે.