પ્રેમિકાએ લગ્ન માટે ઇનકાર કરતા પ્રેમીએ યુવતીના ફોટા ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા

અમદાવાદ, બાપુનગરમાં રહેતા યુવકને તેની સાથે સ્કૂલમાં ભણતી યુવતી સાથે મુલાકાત થતા બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.
યુવકે લગ્ન માટે દબાણ કરતા યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર નહીં થતા પાગલ પ્રેમીએ યુવતીના તેની સાથેના અંગત પળોના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ અંગે યુવતીને જાણ થતા યુવક રાહુલ હળવદિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બાપુનગરમાં માતા-પિતા અને બે બહેન અને એક ભાઈ સાથે રહેતી ૨૪ વર્ષીય યુવતી ઘરેથી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે. યુવતીએ તેના બ્યુટી પાર્લર અને અંગત ઉપયોગ માટે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવીને રાબેતા મુજબ તેના કામકાજના અંગેના વીડિયો તેમાં પોસ્ટ કરતી હતી.
યુવતી જયારે ધોરણ-૧૦માં સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે સ્કૂલમાં તેની સાથે ભણતા વિદ્યાર્થી સાથે મિત્રતા થઇ હતી. જો કે બાદમાં યુવતીએ અભ્યાસ છોડી દીધો અને બ્યુટી પાર્લરના કામકાજમાં લાગી ગઈ હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં યુવતીના ફ્લેટમાં સામેના ઘરમાં કથા રાખવામાં આવી હતી. આ સમયે યુવતીની સાથે સ્કૂલમાં ભણતો તેનો મિત્ર રાહુલ પણ ત્યાં આગળ આવ્યો હતો. આ સમયે બંને વચ્ચે વાતચીત થઇ અને બાદમાં રાહુલે યુવતીનો નંબર મેળવી લીધો અને બાદમાં બંને વચ્ચે ફોનમાં તથા સોશિયલ મીડિયા પર વાતચીત થવા લાગી હતી.
આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને એકબીજાને મળતા પણ હતા. આ સમયે બંને એકબીજાને ગળે લાગતા હોય તેવા અને સાથે બેઠા હોય તેવા ફોટા પણ પડાવ્યા હતા.
જો કે કોઈ કારણોસર બંને વચ્ચે મતભેદ અને મનદુઃખ થતા યુવતીએ પ્રેમી યુવક રાહુલ સાથે વાતચીત કરવાનું બંધ કરીને તમામ સંબંધ તોડી નાંખ્યા હતા. આ મામલે બંને વાતચીત કરવા માટે થઈને ગત મહિને બાપુનગરમાં આનંદ ફ્લેટ પાસે મળવા ભેગા થયા હતા. જ્યાં આગળ આરોપી રાહુલે યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો.
પરંતુ યુવતીએ લગ્ન કરવાથી ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલા રાહુલે યુવતીને ધમકી આપી કે “જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા અને મારા અંગત પળોના ફોટા વાયરલ કરી દઈશ” ગભરાઈ ગયેલી યુવતીએ તેના પિતાને આ અંગે જાણ કરતા યુવતીના પિતાએ રાહુલને સમજાવ્યો હતો. તેમ છતાં રાહુલે તેની પ્રેમિકા સાથેના અંગત ફોટાઓ યુવતીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં અને સ્ટોરીમાં પોસ્ટ કરીને વાયરલ કરી દેતા યુવતીએ આ મામલે રાહુલ હળવદિયા વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.SS1MS