Western Times News

Gujarati News

પરિવાર અને પ્રસંશકોના વિશ્વાસે મને નિર્ણયો લેવાની તાકાત આપીઃ દીપિકા

મુંબઈ, આઠ કલાક કામ કરવાની શરતના કારણે પહેલા સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી અને પછી ફી વધારાને કારણે અને અન્ય કારણો સર ‘કલકી’ જેવી ફિલ્મમાંથી દીપિકાને દૂર કરાતા તેના પ્રોફેશનલિઝમ અને તેની કામની શરતો અંગે અનેક પ્રકારની ચર્ચાઓ અને દલીલો શરૂ થઈ ગઈ છે.

તો બીજી તરફ દીપિકા પાદુકોણ અને ફરાહા ખાને એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હોવાના અને રણવીર સિંહે પણ ફરાહ ખાને અનફોલો કરી હોવાના અહેવાલો હતા. ફરાહ ખાને તો આ વાતને અફવા ગણાવીને સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કરનાર એક વ્યક્તિને ફરાહ ખાને કમેન્ટ કરીને પોસ્ટ પર જ ખખડાવી નાખ્યો હતો.

ફરાહે આવી એક પોસ્ટમાં લખ્યું, “તમે બધા શું ગમે તેમ લખો છો!!! મહેરબાની કરીને કંઇક બીજું કામ શોધી લો.”બીજી તરફ આઈએમડીબી દ્વારા ઇન્ડિયન સિનેમાના ૨૫ વર્ષ પર એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયન સિનેમાના ૨૦૦૦થી ૨૦૨૫ની ફિલ્મની વાત કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી ૨૦૦૦થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના આ અહેવાલમાં દરે વર્ષની સૌથી લોકપ્રિય પાંચ ફિલ્મ જાહેર થઈ છે, તેમાં આ ૨૫ વર્ષના સૌથી લોકપ્રિય કલાકારોમાં દીપિકા પાદુકોણ ચોથા ક્રમે છે.

આ અહેવાલમાં સમાવાયેલી ૧૩૦ ફિલ્મમાં દીપિકા પાદુકોણની ૧૦ ફિલ્મ છે. આ યાદીમાં ૨૦ ફિલ્મ સાથે શાહરુખ ખાન પહેલા ક્રમે છે. તેના પછી આમિર ખાન અને પછી ૧૧ ફિલ્મ સાથે રિતિક રોશનનો સમાવેશ થાય છે.

આ યાદીમાં દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, અજય દેવગન, પ્રભાસ અને આલિયા ભટ્ટથી પણ આગળ છે. આ સંદર્ભે વાત કરતા દીપિકાએ તેના દરે ટીકાકારને જવાબ આપી દીધો છે.

દીપિકાએ કહ્યું, “મેં જ્યારે મારી સફરની શરૂઆત કરી તો મને ઘણી વખત કહેવાતું કે એક સ્ત્રીએ ફરજિયાત અથવા તો તેની પાસે અપેક્ષા હોય છે કે તેણે સફળ કારકિર્દી જ બનાવવી જોઈએ. જોકે, શરૂઆતથી જ હું પ્રશ્ન પૂછવાથી ડરી નહીં, પડકારોનો સામનો કર્યાે, અઘરા રસ્તા પસંદ કર્યા છે અને બધાંએ જે કર્યું છે, એ જ કરવાની બીબાંઢાળ રૂઢિઓને પડકારી છે.”

દીપિકાએ આગળ કહ્યું, “મારા પરિવાર, ફૅન્સ અને મારી સાથે કામ કરતા બધાએ મારમાં જે વિશ્વાસ દાખવ્યો છે, તેણે જ મને યોગ્ય વિકલ્પો પસંદ કરવા અને નિર્ણય લેવા શક્તિ આપી છે. આ વિકલ્પો અને રસ્તાએ જ મારા કૅરિઅરનો માર્ગ બનાવ્યો છે.

આઈએમડીબીએ ૨૫ વર્ષના અહેવાલમાં આ કામની નોંધ લીધી ત્યારથી મારા વિચારોને વધુ તાકાત મળી છે કે, ઇમાનદારીથી, આધારભૂત રીતે અને તમારા મુલ્યો પ્રત્યે સાચા રહીને સતત આગળ વધતા રહી શકો છો, તો પરિવર્તન શક્ય છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.