બેંકના કર્મચારીએ PPF ખાતાના નાણાં ઉપાડવા આવેલા દાદાને પૂછ્યું કોઈ તકલીફમાં છો ? અને…

AI Image
ડિજિટલ એરેસ્ટના નામે ૭૦ વર્ષીય વૃદ્ધ પાસેથી ગઠિયાએ ૩ લાખ ખંખેરી લીધા -એકાકી જીવન જીવતા વૃદ્ધ ત્રણ લાખ આપ્યા પછી પીપીએફના નાણાં ઉપાડવા આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યો
અમદાવાદ, મણિનગર વિસ્તારમાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન વ્યતીત કરતા વૃદ્ધને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે તેમ કહીને વૃદ્ધને ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. ઠગ ટોળકીએ વૃદ્ધ પાસેથી રૂપિયા ૩ લાખ પડાવી લીધા અને વધુ રૂપિયા ૭ લાખની માગણી કરીને ધમકી આપવા લાગ્યા હતા.
જોકે, વૃદ્ધ બાકીના રૂપિયાની વ્યવસ્થા કરવા પીપીએફ ખાતામાં રૂપિયા વિડ્રો કરવા બેંકમાં આવ્યા ત્યારે બેંક કર્મીની સતર્કતાથી વૃદ્ધ વધુ ઠગાતા બચી ગયા હતા. વૃદ્ધે સાયબર હેલ્પલાઈન અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય પ્રકાશ બાબુભાઈ પટેલ ગત ૨ સપ્ટેમ્બરે સવારે ઘરે હાજર હતા
ત્યારે તેમના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશનથી વાત કરું છું, તમારા પર મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો છે. વૃદ્ધ આ સાંભળતા જ ગભરાઈ ગયા. ગભરાટનો ફાયદો ઉઠાવીને ગઠિયાઓએ વૃદ્ધને ધમકાવ્યા કે તમારા કેનેરા બેંકના એટીએમ કાર્ડ સાથે એક શખ્સ પકડાયો છે. તેણે તમારું નામ અને મોબાઈલ નંબર આપ્યો છે.
ગઠિયાઓએ અમારા સિનિયર અધિકારી તમારી સાથે વાત કરશે કહી આઈપીએસનો યુનિફોર્મ પહેરેલી મહિલા અધિકારીએ વૃદ્ધને વીડિયો કોલ કરીને તમારી ધરપકડ થવાની છે તેમ કહી વધુ ડરાવ્યા હતા. આ સિલસિલો ચાર દિવસ એટલે કે ૬ સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. જેમાં રોજેરોજ અલગ અલગ વિભાગના બનાવટી અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટ કરનાર ટોળકીના શખ્સો વૃદ્ધને આ બધામાંથી છૂટવું હોય તો રૂપિયા ૩ લાખની માગણી કરવા લાગ્યા હતા.
કંટાળીને વૃદ્ધ ૬ સપ્ટેમ્બરે રોજ બેંકમાં ગયા અને ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીએ આપેલા એકાઉન્ટ નંબરમાં રૂપિયા ૩ લાખ આર ટી જી એસ મારફતે જમા કરાવ્યા હતા. ત્યારબાદ પણ આ ટોળકીના શખ્સો વૃદ્ધ પાસે વધુ રૂપિયા ૭ લાખની માગણી કરીને હેરાન પરેશાન કરતા વૃદ્ધ લોન લેવાનું વિચારીને બેંકમાં ગયા હતા. તેમણે પીપીએફ ઉપાડની વાત કરતા બેંક કર્મીને પૂછ્યું તે તકલીફમાં છો?
ત્યારે વૃદ્ધે કહેલી કેફિયતથી સમગ્ર બાબતની બેંક કર્મી, અધિકારીઓના જાણ થઇ હતી. તેઓ શાંતિથી આખો મામલો જાણીને વૃદ્ધની મદદે આવ્યા અને વધુ પૈસા આપવાથી વૃદ્ધને બચાવી તેમની પાસે સાયબર હેલ્પલાઈનમાં ફોન કરાવ્યો.
ત્યારબાદ મણિનગર પોલીસમાં ફરિયાદ કરતા તપાસ શરૂ થઇ છે.ગઠિયાઓએ વૃદ્ધને દર કલાકે આઈ એમ સેફનો મેસેજ વોટ્સએપમાં સેન્ડ કરવાની ફરજ પાડી હતી. આ ઉપરાંત તમને ડિજિટલ એરેસ્ટ રાખ્યા છે તે અંગે જો કોઈને જાણ કરશો તો સ્થાનિક પોલીસ તમારા ઘરે આવીને તમારી ધરપકડ કરી લેશે તેમ ધમકી આપતા રહેતા હતા.