PM મોદીનો રાહુલને જવાબ : ‘ડંડા ખાવા માટે વધુ સૂર્ય નમસ્કાર કરીશ’
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કૉંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા. પીએમ મોદીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે કાલે કોઈ કૉંગ્રેસી નેતાએ પોતાના ઘોષણા પત્રમાં કહ્યું છે કે 6 મહિનામાં મને ડંડા મારશે. પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે એ વાત સાચી છે કે કામ થોડું અઘરું છે. તો તેની તૈયારી માટે 6 મહિનાનો સમય જોઈએ. પીએમ મોદીએ કહ્યું 6 મહિનાનો સમય યોગ્ય છે.
પીએમ મોદીએ કહ્યું કે, મેં પણ 6 મહિનામાં નક્કી કરી લીધું છે કે સૂર્ય નમસ્કારની સંખ્યા વધારી દઈશ. જેથી મારી પીઠને માર સહન કરવાની શક્તિ વધી જાય. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ગાળો સાંભળવાની આદત પડી ગઈ છે. તેઓએ કહ્યું કે 6 મહિનામાં એટલા વધારે સૂર્ય નમસ્કાર કરીશ જેનાથી પોતાની પીઠને પણ દરેક ડંડાને સહન કરવાની તાકાત મળી જાય.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું આભારી છું કે પહેલાથી જ આ વાતની જાહેરાત કરી દેવામાં આવી છે. તેનાથી મને 6 મહિના કસરત વધારવાની તક મળી. ત્યારબાદ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. તેની ઉપર પણ પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે, અધ્યક્ષજી હું છેલ્લી 30થી 40 મિનિટથી બોલી રહ્યો છું પરંતુ કરન્ટ પહોંચતાં – પહોંચતા ઘણો સમય લાગી ગયો. પીએમ મોદીએ કહ્યું કે ઘણી ટ્યૂબલાઇટમાં આવું જ થાય છે.
વડાપ્રધાને લોકસભામાં જ્યારે પોતાની વાત કહેવાની શરૂ કરી ત્યારે લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેટલાક નેતઓની સાથે મહાત્મા ગાંધી જિંદાબાદના નારા લગાવવાની શરૂઆત કરી દીધી. તેની પર વડાપ્રધાને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, બસ આટલું જ? તેની પર કૉંગ્રેસ નેતા અધીર રંજન ઊભા થયા અને કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે. તેની પર પીએમ મોદીએ વળતો જવાબ આપતાં કહ્યું કે આપના માટે ગાંધીજી ટ્રેલર હોઈ શકે છે, અમારા માટે જિંદગી છે.