Western Times News

Gujarati News

અમેરિકામાં શટડાઉનના ઘાતક પરિણામ આવશે: GDPને 15 અબજ ડૉલરનું નુકસાન થશે

શટડાઉન ચાલુ રહેશે તો અમેરિકાની હજારો લોકો સામે બેરોજગારીનું સંકટ

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં શટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકારોએ ચેતવણી આપી છે કે, લાંબા સમય સુધી સરકારી કામકાજ બંધ રહેવાથી ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે. વ્હાઇટ હાઉસના મેમોમાં જણાવાયું છે કે, દર અઠવાડિયે શટડાઉન ચાલુ રહેશે તો અમેરિકાની જીડીપીને લગભગ ૧૫ અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે.

જો આ શટડાઉન એક મહિનો પણ ખેંચાઈ જશે તો ૪૩,૦૦૦થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવવી પડશે. તેમાં ૧૯ લાખ ફેડરલ સરકારના કર્મચારીઓનું નુકસાન તો સામેલ જ નથી જેઓ કાં તો પગાર વિના કામ કરી રહ્યા છે અથવા રજા પર છે. તેમાંથી ૮૦ ટકા કર્મચારીઓ વોશિંગ્ટનમાં રહે છે.

વ્હાઇટ હાઉસના સહાયકો કહે છે કે આ દસ્તાવેજ રિપબ્લિકનના સાંસદોને મોકલવામાં આવશે. જેથી તેઓ શટડાઉન માટે તેમની રાજકીય વ્યૂહરચના નક્કી કરી શકે. ઓબામા કેર આરોગ્ય વીમા સબસિડી માટેના ભંડોળ અંગે કોંગ્રેસ હાલમાં વિભાજિત છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દાવો કરે છે કે આ સબસિડી ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને જશે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સરકારી શટડાઉનના વાસ્તવિક આર્થિક પરિણામોની જવાબદારી સેનેટ ડેમોક્રેટ્‌સ પર છે, જેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને મફત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે ફેડરલ સરકાર, અર્થતંત્ર અને રાષ્ટ્રને બંધક બનાવી રહ્યા છે.’ હાલમાં તમામ સ્તરે રિપબ્લિકન નેતાઓને એક કરવા અને શટડાઉન માટે ડેમોક્રેટ્‌સને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તાજેતરના સર્વેક્ષણો દર્શાવે છે કે જનતા હાલમાં રિપબ્લિકન સાંસદોને દોષિત માને છે, પરંતુ નોંધપાત્ર રીતે મોટી સંખ્યામાં લોકો બંને પક્ષોને જવાબદાર ઠેરવે છે. આ વિવાદ એવા સમયે વધ્યો છે, જ્યારે ટ્રમ્પની ટેરિફ નીતિઓની આર્થિક અસર વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પેરોલ કંપની છડ્ઢઁ દ્વારા બુધવારે જારી કરાયેલા ડેટા દર્શાવે છે

કે સપ્ટેમ્બરમાં અમેરિકામાં ૩૨,૦૦૦ ખાનગી ક્ષેત્રની નોકરીઓ છીનવાઈ ગઇ હતી. આર્થિક સલાહકારોની પરિષદના ચાર પાનાના અહેવાલમાં જણાવાયું છે કે જો શટડાઉન એક મહિના સુધી ચાલુ રહેશે, તો ગ્રાહક ખર્ચમાં ૩૦ બિલિયન ડૉલરનો ઘટાડો થશે. આ અસરનો અડધો ભાગ ફેડરલ કર્મચારીઓ પર સીધો પડશે, બાકીની અસર અન્ય ક્ષેત્રોમાં ફેલાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.