વીજ વિતરણ કંપનીના ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસા ફયુઅલ સરચાર્જની રાહત

AI Image
વીજ ગ્રાહકો પાસેથી ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પના બદલે રૂ.ર.૩૦ વસૂલાશે-૧.૮૦ કરોડ ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસાની રાહત મળશે
વડોદરા, ગુજરાત સરકારે ૧લી સપ્ટેમ્બરના રોજ ચાર વીજ વિતરણ કંપનીના ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસા ફયુઅલ સરચાર્જની રાહત અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ જીયુવીએનએલએ સરકારની જાહેરાતના અમલ અંગે સત્તાવાર કાર્યવાહી કરી છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે તેની ચાર વીજ વિતરણ કંપનીઓને સત્તાવાર જાણ કરી છે કે, ૧લી જુલાઈથી અમલમાં આવે તે રીતે વીજ ગ્રાહકો પાસેથી ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પના બદલે પ્રતિ યુનિટ રૂ.ર.૩૦ વસૂલવા જીયુવીએનએલના કોમર્સ વિભાગ દ્વાર મધ્ય ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની,
દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એમડીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, ૧લી જુલાઈથી ફયુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (ફયુઅલ સરચાર્જ)માં બેઝ સરચાર્જ અને વેરિએબલ સરચાર્જનો સમાવેશ થાય છે જે મુજબ બેઝ ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પથી ઘટીને પ્રતિ યુનિટ રૂ.ર.૩૦ થયો છે. જ્યારે વેરિએબલ ફયુઅલ સરચાર્જ ૦.૦૦૦ ટકા જ યથાવત છે.
આમ વીજ ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસાનો ઘટાડો થયો છે.
પરિપત્રમાં જણાવાયા મુજબ જર્કનીફોર્મ્યુલા મુજબ ફયુઅલ સરચાર્જ લેવામાં આવે છે જેમાં પાયા (બેઝ)નો સરચાર્જ અને વેરીએબલ (પરિવર્તનીય) ચલ સરચાર્જ લેવાનો હોય છે.
વીજ ખરીદીના ખર્ચ, બળતણ ખર્ચ અને ટ્રાન્સમિશન ખર્ચ વગેરેની વસૂલાત માટે ફોર્મ્યુલા મુજબ વસૂલાત થતી હોય છે. એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક સમયમાં ટેરિફ ઓર્ડર મુજબ અને ખરેખર થયેલા ખર્ચની ગણતરી કરાઈ છે. જર્કમાં પ્રથમ ત્રિમાસિક સમય માટે વીજ વેચાણ હાઈટેન્શન (એચટી) અને લો ટેન્શન (એલટી) ગ્રાહકો માટે મંજૂર કરાયેલા વેચાણના આંકડા અને ખરેખર વેચાણના આંકડાની પણ ગણતરી થતી હોય છે.
કૃષિ વીજ ગ્રાહકોને સબસિડી રાજ્ય સરકાર આપે છે તેથી તેમની પાસેથી સરચાર્જ વસૂલાતો નથી. આ સિવાયના વીજ ગ્રાહકો પાસેથી સરચાર્જ વસૂલવામાં આવે છે.