Western Times News

Gujarati News

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગઃ ગુજરાતમાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માત- 33 લોકોના મોત

AI Image

વાહન ચલાવતી વખતે ઈયર પોડ નાખી ગીતો સાંભળવાને કારણે પાછળથી આવતા વાહનનો હોર્ન સંભળાતો નથી તેમજ મોટે ભાગે ડિલીવરી કરતાં વાહનો ચાલુ વાહને મેપનો ઉપયોગ કરે છે જેને કારણે રસ્તા પરથી ધ્યાન હટી જાય છે અને દુર્ઘટના સર્જાય છે.

(એજન્સી) અમદાવાદ,  પોતાનું વાહન ચલાવતા સમયે માત્ર એક સેકન્ડ માટે ‘મોબાઇલ ચેક કરી લઉં’ – આ એક વિચાર ગુજરાતમાં અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે છેલ્લા એક વર્ષમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે ૧૫૦ ગંભીર અકસ્માતો નોંધાયા છે, જેમાં ૩૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ગંભીર આંકડા દર્શાવે છે કે, મોબાઈલના વળગણને કારણે ૯૭ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ૯૦ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. આ તો માત્ર નોંધાયેલા કિસ્સાઓ છે, પરંતુ વાસ્તવમાં ન નોંધાયેલા અસંખ્ય અકસ્માતોમાં પણ મોબાઈલનો ઉપયોગ મુખ્ય કારણ બની રહ્યું છે.

સમગ્ર દેશમાં ૨૦૨૪માં આ પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૨,૮૮૪ જેટલો છે, જે એક રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.

જાણકારી હોવા છતાં લોકો શા માટે જોખમ લે છે?

આ અંગે વાત કરતાં મનોચિકિત્સકો (Psychiatrists) ગંભીર તથ્યો રજૂ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ચાલુ વાહને મનમાં વિચારે છે કે ‘લાવ, બે સેકન્ડમાં હું વાત કરી લઉં’, ત્યારે તે બે સેકન્ડમાં ૩૩ મીટરનું અંતર જોયા વિના કાપી નાખે છે. વાહનની ગતિ ૪૦ કે ૬૦ કિલોમીટર પ્રતિ કલાક હોય તો પણ આટલા અંતરમાં ભયંકર અકસ્માત થઈ શકે છે.

મનોચિકિત્સક સમજાવે છે કે જ્યારે એક કોલ આવી જાય છે, ત્યારે વ્યક્તિનું મગજ ફરી પાછું રસ્તા પર સંપૂર્ણપણે ફોકસ થવા માટે કેટલીક સેકન્ડનો સમય લે છે, અને આ ‘ગેપ’ જ અકસ્માત સર્જે છે.

મોબાઇલ ઉપયોગના મુખ્ય માનસિક કારણો:

શહેરના જાણીતા સાયકોથેરાપિસ્ટના મતે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાની માનસિક આદત પાછળ નીચેના કારણો જવાબદાર છે:

  1. FOMO (ફીઅર ઓફ મિસિંગ આઉટ): એટલે કે એકલા પડી જવાનો ડર અથવા ‘કંઈક મહત્વનું ચૂકી જવાનો ડર’, જેના કારણે સતત મોબાઈલ ચેક કરવાની ફરજ પડે છે.
  2. ઓવરકોન્ફિડન્સ: વાહનચાલકો મનમાં વિચારે છે કે, “હું મેનેજ કરી લઈશ, એક સેકન્ડમાં તો વાત પૂરી થઈ જશે,” અને તેઓ અતિઆત્મવિશ્વાસનો શિકાર બને છે.
  3. કંટાળો: ટ્રાફિક જામ અથવા ધીમી ગતિને કારણે કંટાળતા વાહનચાલકો સમય પસાર કરવા માટે ફોનનો ઉપયોગ કરે છે.
  4. વર્ક પ્રેશર: ફાસ્ટ લાઈફમાં સામાજિક અને કાર્યસ્થળનું દબાણ (જેમ કે બોસ કે ક્લાયન્ટ તરફથી આવતા સતત મેસેજ કે કોલ) વ્યક્તિને સતત ફોનમાં રહેવા મજબૂર કરે છે.

સામાન્ય રીતે, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતાં પકડાતા ચાલકને ₹૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવે છે. જોકે, માત્ર કાયદા કરતાં હવે જાહેર જાગૃતિનો સમય આવી ગયો છે, જેથી લોકો પોતાની આ ખતરનાક આદતને જાતે જ ટાળી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.